મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની બહુચર્ચિત મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનામાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવ્યા બાદ લગભગ 80 લાખ લાભાર્થીઓને યોજનામાંથી બહાર કરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે 16,000પુરુષોએ મહિલાને નામે અરજી કરીને યોજનાનો લાભ લીધો હતો, જ્યારે લાખો લાભાર્થીઓ ઉંમર, આવક અને અન્ય પાત્રતા માપદંડો પર ખરા ઊતરતા નહોતા. હાલમાં રાજ્યમાં આશરે 1.60 કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
મુખ્ય મંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે યોજના શરૂ કરતી વખતે પાત્રતા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતના તબક્કામાં સ્વ-પ્રમાણપત્ર (Self Certification)ને આધારે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. ત્યાર બાદ Comptroller and Auditor General of India (CAG)એ લાભાર્થીઓના ચકાસણી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેને પગલે રાજ્ય સરકારે વ્યાપક તપાસ અને કેવાયસી અભિયાન શરૂ કર્યું હતું.
તપાસમાં સામે આવેલા ચોંકાવનારા આંકડા
સરકાર દ્વારા વિવિધ સરકારી ડેટાબેઝનું વિશ્લેષણ કર્યા બાદ અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આશરે 16,000 પુરુષોએ પોતાને મહિલા બતાવીને યોજનાનો લાભ મેળવ્યો હતો.
એ ઉપરાંત લગભગ:
- પાંચ લાખ સરકારી કર્મચારીઓ
- 10 લાખ આવકવેરા (ઇન્કમ ટેક્સ) દાતાઓ
- ચારથી પાંચ લાખ એવા લાભાર્થીઓ, જેમના પરિવારો પાસે ચાર પૈડાંવાળા વાહનો છે
યોજનાના નિયમો મુજબ આ તમામ લોકો લાભ મેળવવા માટે પાત્ર નહોતા.
સરકારી આંકડા મુજબ 74,000 મહિલાઓની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું, જ્યારે લગભગ બે લાખ મહિલાઓની ઉંમર 65 વર્ષથી વધુ હતી. આ બંને વર્ગો યોજનાની પાત્રતા શરતોથી બહાર આવે છે.
VIDEO | Mumbai: Maharashtra CM Devendra Fadnavis (@Dev_Fadnavis) says, “When we started the Ladli Behna Scheme, there were certain eligibility conditions. Since people did not have enough time to gather and submit the required documents to prove they met those conditions, we… pic.twitter.com/09TZUyn7iG
— Press Trust of India (@PTI_News) June 2, 2026
ઈ-કેવાયસી ન કરાવનારાઓ સામે પણ કાર્યવાહી
તપાસમાં એ પણ સામે આવ્યું કે લગભગ 62 લાખ લાભાર્થીઓએ વારંવાર તક આપ્યા છતાં ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નહોતું. સરકારે ઈ-કેવાયસી માટેની સમયમર્યાદા ત્રણ વખત લંબાવી હતી અને લગભગ પાંચ મહિના સુધી દસ્તાવેજોની ચકાસણી માટે સમય આપ્યો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ પ્રક્રિયા પૂર્ણ કરી નહોતી.






