UP ભાજપમાં શું કંઈ મોટું થવાનું છે?

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે પ્રદેશાધ્યક્ષ પસંદ કરવો સરળ નથી. ભાજપ દલિત, સવર્ણ, ઓબીસી અને આમાંથી પણ મુખ્ય જાતિઓની મતબેંક તથા પ્રાંતીય ગણિતને ધ્યાનમાં રાખી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભૂપેન્દ્ર ચૌધરીની જગ્યા કોણ લેશે, એ મુદ્દે ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા પાર્ટીના અગ્રણી સંગઠનો, સંગઠનના અનેક પદાધિકારીઓ અને RSSના સ્વયંસેવકો સાથે ચર્ચાવિચારણા કરી લેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા થોડા દિવસોમાં જ ભાજપ દ્વારા પ્રદેશાધ્યક્ષ વિશે મોટો નિર્ણય લેવામાં આવશે.

UPમાં ચોરે ને ચૌટે ચર્ચા તીવ્ર બની છે કે પાર્ટી કોને પ્રદેશાધ્યક્ષ બનાવશે, ત્યારે CM યોગી આદિત્યનાથનો દિલ્હી પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

CM યોગી આદિત્યનાથ આજે દિલ્હી પ્રવાસે છે. એવી શક્યતા છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. આવામાં તેમના આ પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ચોક્કસપણે તેઓ પ્રદેશ અધ્યક્ષ પદ માટે પોતાની પસંદગી પાર્ટી નેતૃત્વને જણાવશે.

બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણી
UPમાં હજુ સુધી ભાજપે નવા પ્રદેશાધ્યક્ષની જાહેરાત કરી નથી અને એ કારણે તેને લઈ ચણચણાટ વધુ તેજ થઈ છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પછી જ તેનું પણ નક્કી થશે. કારણ કે UPનો મામલો ખૂબ જ જટિલ બની ગયો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના નીરસ પ્રદર્શન પછી પાર્ટી હાઈકમાન કોઈ પણ પ્રકારનો જોખમ લેવા તૈયાર નથી. તેથી જ જેને પણ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે, તેના યોગી આદિત્યનાથ સાથેના સંબંધો પણ ધ્યાનમાં લેવાશે. યાદ રહે કે બે વર્ષ પછી UPમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.