કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને ભાવાનીપુર વિધાનસભા બેઠક પરથી TMC ઉમેદવાર મમતા બેનર્જીએ ચૂંટણી દરમિયાન ગેરરીતિના ગંભીર આરોપ ભાજપ પર લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે બહારથી આવેલા નિરીક્ષકો (ઓબ્ઝર્વર) અને સુરક્ષા દળો નિષ્પક્ષ નથી અને વાતાવરણને પ્રભાવિત કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીનાં પોસ્ટરો હટાવવામાં આવી રહ્યાં છે અને કાર્યકરો સાથે મારપીટની ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ રીતે ચૂંટણી યોજાય છે? તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મત તો જનતા આપશે, પોલીસ કે સુરક્ષા દળો નહીં.
આ ઉપરાંત ભવાનીપુરમાં એક પોલિંગ સ્ટેશનની બહાર CM મમતા બેનર્જી સામાન્ય કાર્યકરની જેમ બેઠાં રહ્યાં હતાં.
ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે નિરીક્ષકો
ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે બહારથી ઘણા એવા નિરીક્ષકો આવ્યા છે- ભાજપ જે કહે છે, તેઓ એ જ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોને તાજેતરમાં લાવવામાં આવ્યા છે અને તેઓ મનમાની કરી રહ્યા છે. તેઓ આતંક ફેલાવી રહ્યા છે.
મતદાન કર્યા બાદ પોતાના મોબાઇલમાં પત્રકારોને એક ફોટો બતાવતાં તેમણે કહ્યું હતું કે જુઓ, અમારા કાર્યકરને રાત્રે કેવી રીતે મારવામાં આવ્યો. આ અત્યાચાર જુઓ. આ કેવી ગુંડાગીરી ચાલી રહી છે? આ રીતે મતદાન થતું નથી. મતદાન શાંતિથી થવું જોઈએ. આ લોકશાહીની ઉજવણી છે, પરંતુ તેમણે તેને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધી છે. તેમનો મંછા સંપૂર્ણ સ્પષ્ટ છે કે ભાજપ જબરદસ્તી ચૂંટણીમાં ધાંધલી કરવા માગે છે. અમારા કાર્યકરો અને લોકો મરવા માટે તૈયાર છે, પરંતુ તેઓ સ્થાન છોડશે નહીં.
294 સભ્યોની વિધાનસભામાંથી આજે 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે જે હાઈ-પ્રોફાઇલ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં ભવાનીપુર પણ સામેલ છે. અહીં સીએમ મમતા બેનર્જીનો મુકાબલો વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સાથે છે. તેઓ નંદીગ્રામથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી તેઓ ભાજપના હાલના ધારાસભ્ય છે.




