સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું કાવતરું રચી રહ્યા છે રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ સાંસદના ‘વર્તન’ પર સવાલ ઉઠાવતા દુબેએ પૂછ્યું હતું કે સત્તા મેળવવા માટે શું રાહુલ ગાંધી દેશના વિભાજનનું કાવતરું કરી રહ્યા છે? દુબેએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ X પર કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે અને તેને રાહુલ ગાંધી વિરુદ્ધના આરોપો તરીકે રજૂ કર્યા છે. ભાજપ સાંસદે દાવો કર્યો કે રાહુલ ગાંધી ‘ટુકડે-ટુકડે ગેંગ’ના રિંગ લીડર છે.

દુબેએ X પર લખ્યું હતું કે મારા આરોપો ફોર્ડ ફાઉન્ડેશનના સોરોસ અને ટુકડે-ટુકડે ગેંગના રિંગ લીડર રાહુલ ગાંધી સામે છે. આ આરોપો પર ચર્ચા કરવા માટે મેં લોકસભા સ્પીકર પાસે મંજૂરી માગી છે. શું વિરોધ પક્ષના નેતા સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું ષડયંત્ર કરી રહ્યા છે? લોકસભામાં રાહુલના તાજેતરના ભાષણને દુબેએ ‘અમર્યાદિત વર્તન’ ગણાવી તેની તપાસ સંસદીય સમિતિ દ્વારા કરાવવાની માગ કરી છે.

વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જવાને મુદ્દે પણ આરોપ

ભાજપ સાંસદે રાહુલ ગાંધીના સોરોસ ફાઉન્ડેશન અને ફોર્ડ ફાઉન્ડેશન સાથે સંબંધ હોવાના આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી માત્ર દેશદ્રોહીઓ સાથે મળવા માટે જ વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જાય છે. દુબેએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તે ક્યારે ચૂંટણી પંચ પર, ક્યારે બંધારણ પર, ક્યારે લોકસભા અધ્યક્ષ પર અને ક્યારે સર્વોચ્ચ કોર્ટ પર આરોપ મૂકે છે — લગભગ બધી જ બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે વિશેષ પ્રસ્તાવ લાવી રાહુલ ગાંધીની સભ્યતા રદ કરવી જોઈએ અને તેમને ક્યારેય ચૂંટણી લડવા ન દેવા જોઈએ.

પ્રસ્તાવ પર ચર્ચાની મંજૂરી મગાઈ

દુબેએ ગૃહની કાર્યપદ્ધતિના નિયમ 352(5) અને 353 હેઠળ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની મંજૂરી આપવા અધ્યક્ષ પાસે વિનંતી કરી છે. આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ કડક વિરોધ નોંધાવ્યો અને ગૃહમાં હંગામો થતા અધ્યક્ષ  ક્રિષ્ના પ્રસાદે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી હતી. દુબેએ અગાઉ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ‘વિશેષ પ્રસ્તાવ’ લાવવા માટે નોટિસ આપી છે.