વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની શક્યતા

8

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે રિફાઇનરી કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. જેને કારણે ઇંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25થી રૂ. 28 સુધીનો વધારો થવાની શક્યતા છે. એવો સંકેત ઘરેલુ બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સિસ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આપ્યો છે. કોટેકે ક્રૂડ ઓઇલના વાયદા બજાર (ફ્યુચર્સ) અને હાજર બજાર (ફિઝિકલ માર્કેટ) વચ્ચે વધતા અંતરને પણ દર્શાવ્યો છે. આ અંતર ઓઇલની સપ્લાયમાં સતત અછત અને નજીકના ભવિષ્યમાં રાહત મળવાની મર્યાદિત શક્યતા બતાવે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળાને કારણે દેશનું આયાત બિલ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આયાતની માત્રામાં 13થી 15 ટકા ઘટાડો નોંધાયો છે. છતાં ક્રૂડ ઓઇલના આયાત બિલમાં અંદાજે દરરોજ 19થી 21 કરોડ ડોલરનો વધારો થયો છે.

રિપોર્ટ મુજબ કોટકનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો છતાં દેશમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોટકના જણાવ્યા મુજબ  આ પરિસ્થિતિને કારણે રિફાઇનરો પર આર્થિક બોજ વધ્યો છે, જેની અંદાજિત વધારાની અસર દર મહિને લગભગ રૂ. 270 અબજ જેટલો છે. જોકે સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર રૂ. 10નો કાપ મૂક્યો છે અને નિકાસ પર ‘વિન્ડફોલ ટેક્સ’ ફરી લાગુ કર્યો છે, પરંતુ આ પગલાં માત્ર આંશિક રાહત પૂરું પાડે છે. ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શક્ય

કોટકે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાના પક્ષમાં દલીલો ખૂબ મજબૂત છે. પરંતુ વધારો ક્યારે થશે, તે સંપૂર્ણપણે રાજકીય પરિસ્થિતિઓ અને વિચારણાઓ પર આધારિત રહેશે. અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. તેથી ભાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થવાની શક્યતા છે.