કર્ણાટકમાં CMની ખુરશીને લઈને કોંગ્રેસમાં ફરી કશ્મકશ?

નવી દિલ્હીઃ કર્ણાટકમાં CMની ખુરશીને લઈને કોંગ્રેસમાં કશ્મકશ છે. CM સિદ્ધારમૈયા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની શેખી મારી રહ્યા છે, જ્યારે ડીકે શિવકુમાર અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલાની યાદ અપાવી રહ્યા છે.  હાલ CM સિદ્ધારમૈયા અને ડેપ્યુટી CM શિવકુમાર ફરી દિલ્હી પહોંચ્યા છે. CMની ખુરશી માટે કોંગ્રેસના બંને નેતાઓ ત્રીજી વાર દિલ્હી દરબારમાં દસ્તક આપશે.

સિદ્ધારમૈયા પોતાનો બીજો કાર્યકાળ ભોગવી રહ્યા છે અને હવે તેઓ રાજ્યના સૌથી લાંબા સમય સુધી રહી ચૂકેલા ચૂંટાયેલા CMના બનવાના ઉંબરે ઊભા છે. તેઓ અત્યાર સુધી 2700 દિવસથી વધુ સમયથી CM રહી ચૂક્યા છે. તેમના દાવાઓ છતાં પ્રશ્ન એ છે કે શું તેઓ આખા પાંચ વર્ષ સુધી CM તરીકે રહી શકશે? કે પછી કહેવાતા રોટેશનલ ફોર્મ્યુલા હેઠળ DK શિવકુમારને સ્થાન આપશે?

જૂન પછીથી તેઓ ત્રીજી વાર નવી દિલ્હીમાં આવ્યા છે, જ્યારે રાજ્ય કોંગ્રેસ એકમમાં ઊહાપોહની સ્થિતિ છે, પણ હાઇકમાન્ડે CM વિષય પર શાંતિ રાખવાનું કહ્યા પછી કોઈ ખુલ્લો વિવાદ થયો નથી. દિલ્હી પ્રવાસ દરમિયાન બંને નેતાઓ કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ સાથે મુલાકાત કરશે તેવી શક્યતા છે. ગયા વખતની જેમ આ વખતે હજુ સુધી કોઈ ધારાસભ્યોની ખુલ્લી ટિપ્પણી સામે આવી નથી.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે રાજ્ય સરકારે અડધો સમય પૂર્ણ કર્યો છે, અને મૌન વ્યૂહરચના અને રાજકીય પેંતરા ચાલુ જ છે.

જોકે પ્રવાસનું મુખ્ય કારણ “ભાગીદારી ન્યાય સંમેલન” છે, પણ આંતરિક સૂત્રો કહે છે કે સિદ્ધારમૈયા રાહુલ ગાંધીને મળવાના પ્રયાસ કરી રહ્યા છે. ગયા વખતે જુલાઈના બીજા અઠવાડિયામાં આવી કોઈ મુલાકાત નહોતા કરી શકતા. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડ બિહાર વિધાનસભા ચૂંટણી સુધી રાહ જોવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે.