મુંબઈ: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC), રિલાયન્સ ફાઉન્ડેશન અને કતારના બાળકો માટેના મ્યુઝિયમ ‘દાદુ’ (Dadu)ના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે ભારતની પ્રથમ ઈમોશનલ લર્નિંગ પહેલ ‘ઇમોશન્સ લેબ’ (Emotions Lab)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઈશા અંબાણી જોડાયા હતા. રિલાયન્સ ફાઉન્ડેશન સમર્થિત વિવિધ એનજીઓ (NGO)ના ૧૦૦થી વધુ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
બાળકો માટે રમત-રમત સાથે ભાવનાત્મક શિક્ષણ
NMACCના વાર્ષિક ‘બચપન ફેસ્ટિવલ’ના ભાગરૂપે શરૂ કરાયેલી આ ઇમોશન્સ લેબ ૫ થી ૧૧ વર્ષની વયના બાળકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ ઇન્ટરેક્ટિવ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોને તેમની લાગણીઓ ઓળખવા, સમજવા અને તેને યોગ્ય રીતે વ્યક્ત કરવાની કળા શીખવવાનો છે. આ પ્રદર્શન આગામી ૨ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી NMACC ખાતે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
ઈશા અંબાણીનું નિવેદન:
“અમે માનીએ છીએ કે શિક્ષણ એ જિજ્ઞાસા અને રમતગમતથી ભરેલું એક સાહસ હોવું જોઈએ. કતારના બાળકો માટેના મ્યુઝિયમ ‘દાદુ’ સાથેની અમારી ભાગીદારી દ્વારા ઇમોશન્સ લેબને ભારતમાં લાવતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. બાળકો માટે શાળાની અંદર અને બહાર નાની વયથી જ ઈમોશનલ ઈન્ટેલિજન્સ (લાગણીઓ સમજવાની ક્ષમતા) કેળવવી ખૂબ મહત્વની છે. અમારા ‘એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ’ (ESA) પહેલ હેઠળ વંચિત બાળકો માટે આ કાર્યક્રમ યોજીને અમે તમામ બાળકો સુધી આવું શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છીએ.”
‘મૂડ મીટર’ અને ઈમોશનલ સ્કિલ્સ
આ પ્રદર્શન યેલ સેન્ટર ફોર ઈમોશનલ ઈન્ટેલિજન્સ દ્વારા વિકસાવવામાં આવેલા ‘મૂડ મીટર’ (Mood Meter) પર આધારિત છે. આ સાધન દ્વારા બાળકોમાં લાગણીઓની ઓળખ, સમઝ, અભિવ્યક્તિ અને તેના પર નિયંત્રણ મેળવવા જેવી ૫ મહત્વપૂર્ણ સ્કિલ્સ વિકસાવવામાં આવે છે. બાળકોને ચહેરાના હાવભાવ અને શરીરની ભાષા દ્વારા લાગણીઓ ઓળખવાની તેમજ પોતાની જાતને આત્મવિશ્વાસથી વ્યક્ત કરવાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોએ NMACC આર્ટ વોકનો પણ આનંદ માણ્યો હતો.
દેશભરની શાળાઓ અને આંગણવાડીઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક
NMACC ખાતે આ પ્રદર્શન પૂર્ણ થયા બાદ, રિલાયન્સ ફાઉન્ડેશન આ ‘ઇમોશન્સ લેબ’ મોડેલને દેશભરની શાળાઓ અને આંગણવાડીઓ સુધી લઈ જશે, જેથી કરીને ગ્રામીણ અને વંચિત વિસ્તારોના બાળકો પણ આ વિશિષ્ટ ભાવનાત્મક શિક્ષણનો લાભ મેળવી શકે.






