નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓએ ISI સમર્થિત આતંકી નેટવર્ક શહેઝાદ ભટ્ટી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. દેશનાં 14 રાજ્યોમાં ચલાવવામાં આવેલા આ અભિયાન દરમિયાન 200થી વધુ શંકાસ્પદ લોકો અને શહેઝાદ ભટ્ટી નેટવર્ક સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓએ 14 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ એકસાથે કાર્યવાહી કરી હતી. દેશના ગૃહ મંત્રી અમિત શાહે પણ આ કાર્યવાહી અંગે માહિતી આપી છે.
મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત
શહેઝાદ ભટ્ટી નેટવર્ક સામેની કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ મોટી માત્રામાં IED, હથિયારો, જીવતા કારતૂસ અને ગ્રેનેડ જપ્ત કર્યા છે. જપ્ત કરવામાં આવેલા કેટલાક ગ્રેનેડ પર પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીની માર્કિંગ પણ મળી આવી છે. નેટવર્ક સાથે જોડાયેલા લોકો પાસેથી પિસ્તોલ, કારતૂસ તેમ જ જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા CCTV કેમેરા પણ મળી આવ્યા છે.
એજન્સીઓના જણાવ્યાનુસાર આ નેટવર્ક આતંકી ગતિવિધિઓ અને દેશમાં હિંસા ફેલાવવાના કાવતરામાં સામેલ હતું. સમયસર કાર્યવાહી કરીને સુરક્ષા એજન્સીઓએ સ્વતંત્રતા દિવસ પહેલાં સંભવિત આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. જુલાઈમાં મહારાષ્ટ્ર ATSએ શહેઝાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા 102 લોકોની પૂછપરછ કરી હતી.
ગૃહ મંત્રી અમિત શાહે આપી માહિતી
ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે મોદી સરકારે સ્વતંત્રતા દિવસ પહેલાં ISI સમર્થિત આતંકી જૂથ ‘શહેઝાદ ભટ્ટી નેટવર્ક’ને ખતમ કરી દીધું છે અને 200થી વધુ સભ્યોની ધરપકડ કરીને તેના ખતરનાક હુમલાના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સુરક્ષા દળોએ 14 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ એકસાથે ઓપરેશન ચલાવીને આ નેટવર્કને ધ્વસ્ત કર્યું છે. આ કાર્યવાહી આતંકવાદ પ્રત્યે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. અમિત શાહે જણાવ્યું કે ISI પાસેથી ફંડ મેળવતા આ જૂથ પાસેથી IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીની માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતૂસ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા CCTV કેમેરા સહિત મોટી માત્રામાં સામગ્રી મળી આવી છે.
Modi govt destroyed the ISI-backed terror group Shahzad Bhatti Network ahead of Independence Day and thwarted its plans for subversive attacks by arresting more than 200 operatives.
Indian security forces ripped apart the network by launching coordinated operations across…
— Amit Shah (@AmitShah) August 17, 2026
ક્યાં કેટલા લોકો સામે કાર્યવાહી?
- ઉત્તર પ્રદેશ: 62
- હરિયાણા: 52
- દિલ્હી: 51
- પંજાબ: 44
- રાજસ્થાન: 15
- મહારાષ્ટ્ર: 8
- ઉત્તરાખંડ: 5
- કર્ણાટક, ગુજરાત અને બિહાર: 3-3
- તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળ: 2-2






