દીર અલ-બલાહ: ગાઝામાં ઇઝરાયલે ભારે હવાઇ હુમલો કર્યો છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ હવાઇ હુમલાઓમાં ઓછામાં ઓછા 32 લોકોનાં મોત થયાં છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે, પરંતુ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ હજી પણ યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં અડગ છે.
નેતાન્યાહુના UNમાં ભાષણ બાદ વરસ્યા બોમ્બ
મધ્ય અને ઉત્તર ગાઝામાં થયેલા હવાઇ હુમલાઓમાં ઘણા લોકો પોતાના ઘરમાં જ મોતને ભેટ્યા હતા. નુસેરાત શરણાર્થી શિબિરમાં એક જ પરિવારના નવ સભ્યોનાં મોત થયાં છે. આ હુમલાના થોડા કલાકો પહેલાં જ નેતાન્યાહુએ ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેમનો દેશ હમાસ સામેનું કામ પૂરુ કરવા માગે છે. નેતાન્યાહુનું આ ભાષણ તેમના દેશની પ્રજા અને વૈશ્વિક સમુદાય બંને માટે હતું, પરંતુ તેમના ભાષણની શરૂઆતમાં જ અનેક દેશોના પ્રતિનિધિઓ સભામાંથી વોકઆઉટ કરી ગયા હતા.
અનેક દેશોએ પેલેસ્ટિનને આપી માન્યતા
વિશ્વના અનેક દેશોએ તાજેતરમાં પેલેસ્ટિનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે, જેને ઇઝરાયલ સ્વીકારતું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક દેશોએ ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે દબાણ કરવાનું આહ્વાન કર્યું છે. શુક્રવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ લોન પર પત્રકારોને જણાવ્યું હતું કે તેમને આશા છે કે અમેરિકા ગાઝામાં સંઘર્ષ ઘટાડવા અને બંધકોને પાછા લાવવા માટે એક સમજૂતીની નજીક છે.
અત્યાર સુધી 65,000થી વધુ મોત, 1.67 લાખ ઘાયલ
ગાઝા આરોગ્ય મંત્રાલય મુજબ ઇઝરાયલી અભિયાનમાં અત્યાર સુધીમાં 65,000થી વધુ લોકોનાં મોત થયાં છે અને 1,67,000થી વધુ લોકો ઘાયલ થયા છે. મંત્રાલય નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે ફરક નથી પાડતું, પરંતુ કહે છે કે મહિલાઓ અને બાળકો અંદાજે અડધા મૃતકોમાં સામેલ છે.
