ISROએ રચ્યો ઇતિહાસ: ‘બાજ’સેટેલાઇટ EOS-05નું સફળ લોન્ચિંગ

શ્રીહરિકોટાઃ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)એ શુક્રવારે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ISROએ દેશના પ્રથમ જિયો-ઓર્બિટ ઇમેજિંગ સેટેલાઇટ EOS-05ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. GSLV-F17 રોકેટ દ્વારા 2367 કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઇટને નિર્ધારિત કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ મિશન 2026માં ISROનું પ્રથમ સફળ લોન્ચિંગ છે. સેટેલાઇટને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી શુક્રવારે વહેલી સવારે 2:55 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ઉડાન ભર્યાના આશરે 18 મિનિટ બાદ EOS-05ને નિર્ધારિત સબ-જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો હતો.

લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈએ કરશે કામ

અત્યાર સુધી અનેક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ લો અર્થ ઓર્બિટ (LEO)માં કાર્ય કરે છે, પરંતુ EOS-05ને લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈએ જિયોસિંક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઊંચાઈએ સેટેલાઇટ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે તાલમેલ જાળવી શકશે. ISRO અનુસાર EOS-05 દેશનો પ્રથમ સમર્પિત જિયો-ઓર્બિટ ઇમેજિંગ સેટેલાઇટ છે. તે લગભગ રિયલ ટાઇમ તસવીરો ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ હશે. તેનાથી કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય વ્યૂહાત્મક જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ ડેટા મળવાની અપેક્ષા છે.

GSLVથી લોન્ચ થયેલો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ

2367 કિલોગ્રામ વજન ધરાવતો EOS-05 અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે, જેને GSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ISROના પ્રમુખ વી. નારાયણને સફળ લોન્ચિંગ બાદ જણાવ્યું હતું કે GSLV-F17એ EOS-05ને નિર્ધારિત અને જરૂરી કક્ષામાં અત્યંત ચોકસાઈપૂર્વક સ્થાપિત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ શ્રીહરિકોટાથી 107મું લોન્ચિંગ અને GSLVનું 19મું મિશન છે. તેમણે કહ્યું કે GSLVના શરૂઆતના મિશનમાં 1536 કિલોગ્રામનો પેલોડ હતો. ત્યાર બાદ ISROએ રોકેટની ક્ષમતા વધારવા માટે તેના સ્ટ્રક્ચરલ માસ અને પ્રોપલ્શન સિસ્ટમમાં સતત સુધારા કર્યા હતા. હવે આ જ લોન્ચ વ્હીકલ દ્વારા 2367 કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે.

‘આકાશની આંખ’ની જેમ કરશે કામ

મિશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે EOS-05ને ‘આકાશની આંખ’ ગણાવ્યો છે. આ સેટેલાઇટ મલ્ટી-બેન્ડ ક્ષમતાથી સજ્જ છે અને લગભગ રિયલ ટાઇમ ઇમેજિંગ કરી શકે છે.