ITRA અને હાર્ટફૂલનેસ વચ્ચે સર્વગ્રાહી આરોગ્ય માટે પાંચ વર્ષીય સમજૂતી કરાર

જામનગર: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રેસર્ચ ઇન આયુર્વેદ (ITRA) અને હૈદરાબાદ સ્થિત ‘હાર્ટફૂલનેસ’ (HFI) વચ્ચે આયુર્વેદિક શિક્ષણ, તબીબી પ્રેક્ટિસ, સર્વગ્રાહી સુખાકારી અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવાના હેતુથી પાંચ વર્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ મહત્વપૂર્ણ કરાર 8 સપ્ટેમ્બર 2026ના રોજ કાન્હા શાંતિ વનમ ખાતે યોજાયેલી સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેટિવ મીટિંગ દરમિયાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ, પદ્મભૂષણ દાજી, નીતિ આયોગના સભ્ય ડૉ. શ્રીનિવાસ, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા તેમજ ITRA (INI)ના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી અને HFIના પ્રતિનિધિ કુમાર કન્નન ઉપસ્થિત રહ્યા હતા.

ભાગીદારીના મુખ્ય પાસાં

  • સંયુક્ત નિષ્ણાત સેવાઓ: ITRA આયુર્વેદ, ક્લિનિકલ સાયન્સ અને પુરાવા-આધારિત સંશોધનમાં મદદ કરશે. જ્યારે હાર્ટફૂલનેસ સંસ્થા ધ્યાન, યોગ, જીવનશૈલી અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનું સંકલન કરશે.

  • શૈક્ષણિક અને ક્ષમતાવર્ધન: સંયુક્ત સંશોધન, વિદ્યાર્થી અને ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ, ક્ષમતાવર્ધન તેમજ બૌદ્ધિક સંપદા (IP)ના વિકાસ માટે સહયોગી માળખું તૈયાર કરવામાં આવશે.

  • પર્યાવરણીય ટકાઉપણું: કેમ્પસમાં જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ અને ગ્રીન પ્રેક્ટિસિસને પ્રોત્સાહન આપીને સુવિધાયુક્ત ટકાઉ મોડેલ્સ વિકસાવવામાં આવશે.

ITRA અને હાર્ટફૂલનેસ વચ્ચેનો આ સહયોગ આયુષ મંત્રાલયના વૈશ્વિક સ્તરે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને સંકલિત આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવાના વિઝનને વધુ બળ પૂરું પાડશે.