જગતગુરુ મામા સરકાર દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન

અમદાવાદ: શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે.

અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય “શ્રી શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ટ, જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરિ મહારાજ, અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર” ના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે.

આ યાત્રા પ્રથમ દિવસે સવારે ૩૩ મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ બાવળાથી શરૂ થશે. જે, બિંદુ સરોવર ખાતે પહોંચશે અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે. ત્યાર બાદ, પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, યાત્રીઓ અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબાનાં દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચ દશનામ જૂના અખાડા આશ્રમમાં, રાત્રિભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્માજી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે. ત્યાર બાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના “સંકલ્પ દર્શન” કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે. ત્યાર બાદ દિલ્હી આરામ કરીને ત્રીજા દિવસે દિલ્હીમાં નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદસભ્યોને આશીર્વાદ આપ્યા પછી, આ યાત્રા હરિદ્વાર જવા રવાના થશે.

ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમા દિવસે આ યાત્રા શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે. આઠમા દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરનાં દર્શન કરવામાં આવશે. નવમા દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે. જ્યાં  શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરનાં દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી ઓમ પર્વતનાં દર્શન કરી ત્યાંથી પૂજા-પાઠ કરી પવિત્ર જળ લઇશું, એ પછી અયોધ્યા પહોંચી 11મા દિવસે ભગવાન શ્રીરામનાં દર્શન કરવામાં આવશે અને છેલ્લે 12મા દિવસે  શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે. આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે.