સમસ્તીપુરઃ બિહારના જમુઈમાં ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે થયેલી છેડતીના મામલે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. એ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી યુવતીઓ સાથે છેડતીના મામલા સતત સામે આવી રહ્યા છે. તાજો મામલો સમસ્તીપુર જિલ્લાનો છે. અહીં એક યુવતી સાથે રસ્તા વચ્ચે છેડતી કરવામાં આવી હતી. બે-ત્રણ સ્થાનિક યુવકો યુવતીને અયોગ્ય રીતે સ્પર્શ કરતાં તેમ જ ગાળો આપીને તેની સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ બધું જોઈ રહેલા કેટલાક લોકો હસતા જોવા મળ્યા હતા. સમસ્તીપુરમાં યુવતી સાથે થયેલી છેડતીનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે ફરી એક વાર યુવતીઓની સુરક્ષાને લઈને સવાલો ઊઠી રહ્યા છે.
કર્પૂરીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના જગતસિંહપુર ગામની ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના સમસ્તીપુર જિલ્લાના કર્પૂરીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા જગતસિંહપુર ગામની છે. ગામના બંધ બાયપાસ રોડ પર કેટલાક યુવકોએ એક યુવતી સાથે છેડતી, ગાળાગાળી અને અભદ્ર વર્તન કર્યું હતું. બુધવારે મોડી સાંજથી તેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો. વિડિયો સામે આવ્યા બાદ સમસ્તીપુર પોલીસ સક્રિય થઈ ગઈ હતી.
યુવતીએ કહ્યું- ભાઈને બોલાવું છું, યુવકોએ કહ્યું- ઠીક છે, બોલાવો
સમસ્તીપુરમાં યુવતી સાથે રસ્તા વચ્ચે થયેલી છેડતીનો વાયરલ વિડિયો 56 સેકન્ડનો છે. વિડિયોમાં એક યુવતી રસ્તા પર ઊભી જોવા મળે છે અને કેટલાક યુવકો તેને પરેશાન કરતા જોવા મળે છે. યુવતી તેમનાથી બચવાનો પ્રયાસ કરે છે. જોકે બનિયાન પહેરેલો એક યુવક વારંવાર તેનો હાથ પકડતો જોવા મળે છે. યુવતીના વિરોધ બાદ એક યુવક તેને મારવાનો પ્રયાસ કરતો પણ જોવા મળે છે. આ દરમિયાન યુવતી વારંવાર તેને છોડી દેવા માટે કહે છે, પરંતુ યુવકો તેને જવા દેતા નથી. યુવતી એમ પણ કહે છે કે “ઊભા રહો, હું મારા ભાઈને બોલાવું છું.” તેના જવાબમાં યુવકો કહે છે, “ઠીક છે, બોલાવો.”
આજે વહેલી સવારે ચારેય આરોપીઓની ધરપકડ
સમસ્તીપુરમાં યુવતી સાથે રસ્તા વચ્ચે છેડતી કરનારા ચારેય આરોપીઓની પોલીસે ગુરુવારે સવારે ધરપકડ કરી છે. સમસ્તીપુરના પ્રભારી સદર ડીએસપીએ એનડીટીવીને જણાવ્યું કે વાયરલ વિડિયોમાં યુવતી સાથે છેડતી કરતા જોવા મળેલા ચારેય આરોપીઓની ગુરુવારે સવારે તેમના-તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યા છે.




