પટનાઃ બિહારમાં ચાલી રહેલા જોરદાર ચૂંટણીપ્રચાર વચ્ચે મોકામાં રાજકીય હિંસાની ઘટના બની છે. મોકા વિધાનસભા ક્ષેત્રમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના એક સમર્થકની હત્યા થઈ છે. આ વિધાનસભા સીટ પરથી JDUના ઉમેદવાર અને બાહુબલી નેતા અનંત સિંહના સમર્થકો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મોકા વિધાનસભા સીટ પરથી જન સુરાજ પાર્ટીએ પીયૂષ પ્રિયદર્શનને ઉમેદવાર બનાવ્યા છે. અહેવાલ મુજબ પિયુષ પ્રિયદર્શનના સમર્થક દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
ચૂંટણી અદાવતમાં આ હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ જન સુરાજ પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા. એ સાથે જ પોલીસ પ્રશાસનના મોટા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ઘટનાની તપાસ કરી રહ્યા છે.
લાલુ યાદવના નજીકના હતા દુલાર ચંદ
દુલાર ચંદ યાદવને એક સમયે RJDસુપ્રીમો લાલુપ્રસાદ યાદવની ખૂબ જ નજીકના માનવામાં આવતા. મોકા વિસ્તારમાં તેમનો જોરદાર પ્રભાવ હતો.
બિહારના સ્થાનિક મિડિયાના જણાવ્યાનુસાર દુલારચંદ યાદવ હિસ્ટ્રીશીટર રહ્યા હતા અને તેમના પર અનેક હત્યાના આરોપ લાગ્યા હતા. તેઓ અનંત સિંહના મોટા ભાઈ દિલીપ સિંહ સામે ચૂંટણી લડી ચૂક્યા હતા. દિલીપ સિંહ 1990 અને 1995માં મોકા સીટ પરથી વિધાનસભ્ય ચૂંટાયા હતા. હાલમાં તેમનું નિધન થયું છે.
🚨 मोकामा में RJD के नेता की हत्या:जनसुराज के कैंडिडेट के प्रचार में शामिल था; अनंत सिंह के समर्थकों पर आरोप pic.twitter.com/E2TmLmt28V
— JanSuraajForBihar (@ForSuraaj) October 30, 2025
અનંત સિંહ વર્ષ 2005થી 2015 સુધી મોકા વિધાનસભા સીટ પરથી પાંચ વખત સતત ચૂંટણી જીતી ચૂક્યા છે. 2020માં તેમનાં પત્ની નીલમ દેવી ચૂંટાયાં હતાં. આ વખતે અનંત સિંહ જાતે જ JDUની ટિકિટ પર મેદાનમાં છે.
બિહારમાં પ્રથમ તબક્કાની મતદાન તારીખ હવે ખૂબ નજીક આવી ગઈ છે. પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 11 નવેમ્બરે મતદાન થશે. 14 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.




