નવી દિલ્હીઃ બિહાર સહિત સાત રાજ્યોને સુપ્રીમ કોર્ટે તે વિદ્યાર્થીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમને NEET પેપર લીક મુદ્દે થયેલાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં રાજ્ય સરકારોને જણાવ્યું છે કે આ વિદ્યાર્થીઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે.
કોર્ટે આ સાથે તમામ CCTV ફુટેજ, ડ્રોન રેકોર્ડિંગ, બોડી કેમેરા ફુટેજ અને વાયરલેસ સંચારના રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. પ્રદર્શનકારીઓનો ડિજિટલ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે અને હાલ માટે તેને જાહેર ન કરવામાં આવે.
18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો
વિરોધ પ્રદર્શનમાં સામેલ કોઈ પણ વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી જાહેર ન કરવામાં આવે તેમ જ તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક અથવા બળજબરીભરી કાર્યવાહી ન કરવામાં આવે. એ ઉપરાંત વિદ્યાર્થી આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા અને જેમનો કોઈ અગાઉનો ગુનાહિત રેકોર્ડ નથી એવા 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને તમામ રાજ્યોએ તાત્કાલિક મુક્ત કરવાં જોઈએ.
સાત રાજ્યોને નોટિસ
NEET પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તાજેતરની ઘટનાઓની સંપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવવામાં આવશે.
જવાબદારી નક્કી થવી જરૂરી – મુખ્ય ન્યાયાધીશ
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે જણાવ્યું કે જેમણે પણ અતિરેક કર્યો હશે તેમના વિરુદ્ધ કાયદો પોતાનું કામ કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર હોવી જોઈએ. જો જવાબદારી નક્કી નહીં થાય તો તપાસનો કોઈ અર્થ રહેશે નહીં.
પેલેટ ગનનો પણ ઉલ્લેખ
CJI સૂર્યકાંતે જણાવ્યું કે વિવિધ અરજીઓમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમાં પેલેટ ગનના ઉપયોગનો આક્ષેપ પણ છે, જેના કારણે 19 વર્ષના એક યુવકની આંખોની દ્રષ્ટિ ગુમાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
સરકારની દલીલ
કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રદર્શન દરમિયાન લગભગ 250 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તેથી સાચી હકીકત બહાર લાવવા માટે યોગ્ય તપાસ જરૂરી છે.




