બ્રિક્સ સમિટના સંયુક્ત ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદા

નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર થયું છે, તેમાં ગ્લોબલ સાઉથ માટે સમાન ભાગીદારીનું આહવાન કરવામાં આવ્યું છે. ભવિષ્યની ટેક્નોલોજી અને તેને નિયંત્રિત કરતા નિયમોના વિકાસમાં ‘ગ્લોબલ સાઉથ’ (વિકાસશીલ દેશો)ની સમાન ભાગીદારીની માગ કરવામાં આવી છે. ભારત મંડપમમાં સમિટ દરમિયાન આ જાહેરાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બદલાતા વૈશ્વિક માળખાને જૂની થઈ ગયેલી સંસ્થાઓ દ્વારા ચલાવી શકાય નહીં. તેમણે નિયમો બનાવવાની પ્રક્રિયામાં સુધારા અને જરૂરી પ્રતિનિધિત્વની હિમાયત કરી છે.

ઘોષણાપત્રમાં શું છે?

ઘોષણાપત્રમાં બ્રિક્સ દેશોએ એકપક્ષી ટેરિફ અને બિન-ટેરિફ પગલાંના વધતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જે વેપારને અસર કરે છે અને વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમોની વિરુદ્ધ છે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ એકપક્ષી રીતે દબાણ લાવનારા પગલાની પણ નિંદા કરી છે. આ ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી છે.

આ ઘોષણાપત્રમાં સંઘર્ષોને રોકવા માટે વધુ જોડાણની માગ કરવામાં આવી છે, જેમાં સંઘર્ષોનાં મૂળ કારણોને દૂર કરવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. સમૂહે વાતચીત, પરામર્શ અને કૂટનીતિ દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની પોતાની પ્રતિબદ્ધતા પણ પુનઃવ્યક્ત કરી છે. બ્રિક્સ દેશોએ એવો બહુપક્ષી અભિગમ અપનાવવાની હિમાયત કરી છે, જેમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિવિધ દેશોના દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવામાં આવે અને આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં વાતચીત તથા સહયોગના મહત્વ પર ભાર મૂકવામાં આવે.

ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે મતભેદો છતાં સહમતી બની

આ રાજદ્વારી સફળતાને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કે ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એક જ બ્રિક્સ મંચનો ભાગ છે. પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા અનેક પ્રાદેશિક અને ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ પર આ દેશોના વલણમાં ઊંડા મતભેદો રહ્યા છે. બીજી તરફ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે આ દેશોને એક સંયુક્ત નિવેદન પર સહમત કરાવવા ભારત માટે મોટી રાજદ્વારી પડકારરૂપ બાબત હતી. વિવિધ મુદ્દાઓ પર અલગ-અલગ વલણ હોવા છતાં ભારતે વાતચીત દ્વારા મધ્યમ માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો છે.

ડિનરમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે

સાંજે લગભગ 5થી 5:30 વાગ્યાની વચ્ચે વડા પ્રધાન દ્વારા બ્રિક્સ નેતાઓ માટે આયોજિત ડિનરમાં આમંત્રિત કરવામાં આવેલા મુખ્ય મંત્રીઓ સંસદ ભવનમાં એકત્ર થશે. તેઓ સાંજે લગભગ 6 વાગ્યે સંસદ ભવનથી બસમાં રવાના થશે.