નવી દિલ્હીઃ આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતાં જ રાજકીય નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને કડવી ભાષાનો ઉપયોગ વધ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ‘પાગલ’ કહીને નિશાન બનાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના સીએમને ‘કન્ટ્રોલ’ કરે છે એવા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સરમાએ કહ્યું હતું કે સરકાર તો દિલ્હીમાથી જ ચાલશે. દિસપુર અને દિલ્હી સાથે જોડાશે ત્યારે જ ડબલ એન્જિનની સરકાર બનશે. તે પાગલ છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે આસામમાં જનજાતિઓને સમાન નાગરિક સંહિતા (UCC)ના દાયરાથી બહાર રાખવામાં આવશે.
‘ટ્રમ્પ મોદીને કન્ટ્રોલ કરે છે’ -રાહુલનો આરોપ
જોરહાટમાં ચૂંટણીસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને આદેશ આપે છે અને મોદી કંઈ બોલતા નથી. મોદીને ખબર છે કે તેમનું રાજકીય ભવિષ્ય ટ્રમ્પના હાથમાં છે. ટ્રમ્પ મોદીને નિયંત્રિત કરે છે. જો ટ્રમ્પ મોદીને કૂદવા કહે તો મોદી પૂછશે કે કેટલું અંતર કૂદવું અને પછી કૂદવા લાગી જશે, કારણ કે મોદી પર ટ્રમ્પનું નિયંત્રણ છે.
રાજ્યમાં UCC લાગુ થશે — PM મોદી
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે આસામના સીએમ પર પણ મોદીની અસર છે, કારણ કે સરમાના “ભ્રષ્ટાચાર અને ગુનાઓ” વિશે મોદીને જાણ છે. રાજ્યમાં UCC લાગુ કરવાની બાબતે સરમાએ કહ્યું હતું કે જનજાતિઓને તેમાંથી બહાર રાખવામાં આવશે. ગોગામુખમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં UCC લાગુ કરવામાં આવશે અને આસામની ઓળખ જાળવનારી છઠ્ઠી અનુસૂચિ તથા જનજાતીય પરંપરાઓનું સંરક્ષણ કરવામાં આવશે.
સત્તાના વિકેન્દ્રીકરણમાં અમારો વિશ્વાસ — રાહુલ ગાંધી
તાજેતરમાં કાર્બી આંગલોંગ જિલ્લાના બોકાજાનમાં યોજાયેલી ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તાના વિકેન્દ્રીકરણમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારનું શાસન સ્થાનિક નેતાઓ દ્વારા થવું જોઈએ, દિલ્હી અથવા ગૌહાટીના અધિકારીઓ દ્વારા નહીં. તેમણે ભાર મૂક્યો હતો કે સાચો બદલાવ તળિયાના સ્તરથી જ આવે છે. એ સાથે જ ભાજપ પર દિલ્હીમાથી રાજ્ય ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.




