આજથી સસ્તો થયો કોમર્શિયલ સિલિન્ડર:પાસપોર્ટ બનાવવો મોંઘો પડશે

નવી દિલ્હી: કોમર્શિયલ સિલિન્ડર 1 જુલાઈથી સરેરાશ 180 રૂપિયા સસ્તો થયો છે. બીજી તરફ પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લિટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત, હવે પાસપોર્ટ બનાવવો અથવા રી-ઇશ્યુ કરાવવો મોંઘો થઈ ગયો છે. સામાન્ય પાસપોર્ટની ફી ₹1,500થી વધીને ₹2,500 થઈ ગઈ છે.    

જુલાઈમાં થનારા 6 મોટા ફેરફાર

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો

તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 રૂપિયા સુધી સસ્તો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત ₹2930 થઈ ગઈ છે. પહેલા તે ₹3113.50 માં મળતો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે. આવા સંજોગોમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે.

2. ડીઝલના વેચાણ પરની મર્યાદા હટાવાઈ

પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લિટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે, એટલે કે હવે તમે તમારા વાહનમાં જેટલું ઈચ્છો તેટલું ડીઝલ ભરાવી શકશો. આ સાથે ફેક્ટરીઓ અને કોમર્શિયલ ખરીદદારો પર લાદવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે 11 જૂને પેટ્રોલ-ડીઝલની અછતને કારણે આ પ્રતિબંધો લગાવ્યા હતા, જે સપ્લાય સુધર્યા બાદ 29 જૂનના નવા આદેશ દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. છેલ્લા 18 દિવસથી મોટા ગ્રાહકો માત્ર બલ્ક સેલ પોઈન્ટ્સ પરથી જ ઈંધણ ખરીદી રહ્યા હતા.

3. પાસપોર્ટ બનાવવો મોંઘો થયો

કેન્દ્ર સરકારે પાસપોર્ટની ફીમાં વધારો કર્યો છે, જે 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે. આ પહેલા 2012માં પાસપોર્ટની ફી વધારવામાં આવી હતી. એટલે કે 14 વર્ષ પછી આ વધારો થયો છે. એટલે હવે નવો પાસપોર્ટ બનાવનારા અથવા જૂના પાસપોર્ટને ફરીથી ઇશ્યૂ કરાવનારા નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડશે અને તેમને ₹1,000થી લઈને ₹2,000 સુધી વધુ ખર્ચ કરવા પડશે.

4. ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર બમણો દંડ 

રેલવે મંત્રાલયે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર લાગતા લઘુત્તમ દંડને ₹250 થી વધારીને ₹500 કરી દીધો છે. હવે પકડાઈ જવા પર મુસાફરને ટિકિટના વાસ્તવિક ભાડા સાથે ઓછામાં ઓછા ₹500 નો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, મામલો મેજિસ્ટ્રેટ કોર્ટમાં જવા અને દોષિત ઠરવા પર વધુમાં વધુ 6 મહિનાની જેલ, ₹1,000 નો દંડ અથવા બંને સજાઓ થઈ શકે છે.

  • પહેલાં (જૂના નિયમ મુજબ): ભાડું ₹150 + દંડ ₹250 = કુલ ₹400 ચૂકવવા પડતા હતા.
  • હવે (નવા નિયમ મુજબ): ભાડું ₹150 + દંડ ₹500 = કુલ ₹650 ચૂકવવા પડશે.

5. આધાર કાર્ડમાં ફ્રી અપડેટ

UIDAIએ 1 જુલાઈથી આધાર કાર્ડ પર ઈમેલ એડ્રેસ અપડેટ કરાવવા માટે લાગતી ₹75ની ફી હટાવી દીધી છે. આ સેવા આગામી છ મહિના એટલે કે 31 ડિસેમ્બર, 2026 સુધી મફત રહેશે. આ સમયમર્યાદા સમાપ્ત થયા પછી જ ફરીથી ચાર્જ લેવામાં આવશે. આ નિર્ણયથી તે કરોડો નાગરિકોને સીધી રાહત મળશે જેઓ પોતાના આધારમાં ઈમેલ આઈડી લિંક અથવા અપડેટ કરાવવા માંગે છે. હવે તેઓ કોઈપણ વધારાના શુલ્ક વિના ઓનલાઈન અથવા નિર્ધારિત કેન્દ્રો દ્વારા પોતાનું ઈમેલ એડ્રેસ મફતમાં અપડેટ કરાવી શકશે.

6. કાર ખરીદવી આજથી મોંઘી

મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓએ 1 જુલાઈથી પોતાના વાહનોની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત કિયા ઇન્ડિયાએ પોતાના તમામ વાહનોની રેન્જમાં 2% સુધીનો વધારો કર્યો છે, જ્યારે ટાટા મોટર્સ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કરવા જઈ રહી છે. 1 જુલાઈથી નવી કાર ખરીદનારા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધશે અને તેમને પહેલા કરતા વધુ કિંમત ચૂકવવી પડશે. ટાટા મોટર્સના વાહનો પસંદ કરતા ગ્રાહકો માટે હવે પરંપરાગત ફ્યુઅલ ગાડીઓ સાથે ઇલેક્ટ્રિક કાર ખરીદવી પણ મોંઘી પડશે.