જસ્ટિસ સ્વર્ણકાંતાથી ન્યાયની આશા હવે ખતમઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સમક્ષ હાજર નહીં થાય. તેમણે સોમવારે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ દિલ્હી દારૂ નીતિ કેસમાં CBIની અપીલ અરજી પર તેમના સમક્ષ વ્યક્તિગત રીતે કે વકીલ મારફતે હાજર નહીં રહે. જોકે પત્રમાં તેમણે એ પણ લખ્યું હતું કે બેન્ચ તરફથી જે પણ નિર્ણય આવશે, તે તેઓ સ્વીકારશે.

આ પત્રમાં તેમણે લખ્યું હતું કે મને જસ્ટિસ સ્વર્ણકાંતા પાસેથી ન્યાય મળવાની આશા હવે ખતમ થઈ ગઈ છે અને તેથી મેં મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો છે.  તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય તેમના અંતરાત્માની અવાજ પર આધારિત છે અને તેઓ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો અધિકાર પોતાના પાસે રાખે છે.

આ પત્ર ત્યારે સામે આવ્યો છે જ્યારે દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કેસમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને કેસમાંથી દૂર કરવાની તેમની અરજી ફગાવી દીધી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યો હતો કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનાં સંતાનો કેન્દ્ર સરકારના વકીલોના પેનલમાં સામેલ છે, જેથી કેસમાં હિતોના ટકરાવની સ્થિતિ ઊભી થાય છે. એ સાથે જ તેમણે દલીલ કરી હતી કે આથી પક્ષપાતની આશંકા ઊભી થાય છે.

ત્યાર બાદ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે જણાવ્યું હતું કે આ આરોપો માત્ર અટકળો પર આધારિત છે અને પક્ષપાતની આશંકા માટેના કાનૂની માપદંડોને પૂર્ણ કરતા નથી. હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે કોર્ટરૂમ માત્ર ધારણાઓનું મંચ બની શકતું નથી. એ સાથે જ ચેતવણી આપી હતી કે કોઈ પણ પ્રભાવશાળી રાજકીય વ્યક્તિને મજબૂત પુરાવા વિના કાર્યરત ન્યાયાધીશ પર આરોપ લગાવવાની મંજૂરી મળી શકતી નથી.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ન્યાયપાલિકા પર આરોપ લગાડવામાં આવે ત્યારે પણ નિષ્પક્ષતાનું એ જ માપદંડ લાગુ પડે છે અને આવી અરજીઓ પર વિચાર કરવાથી સંસ્થાની વિશ્વસનીયતા નબળી પડી શકે છે.