કૈવલ્યધામમાં પોલીસ કર્મીઓ માટે યોગમય તાલીમ કાર્યક્રમ

લોનાવાલા: પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કૈવલ્યધામ નામની યોગ સંસ્થા નિયમિતપણે અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે. પોલીસની નોકરી લગભગ ૨૪ કલાક જેવી હોય છે. ફરજ પર સતત તણાવ રહે છે, તહેવાર હોય કે રજાના દિવસો, સતત કામ માટે સજજ રહેવું પડે છે, પ્રજાની રક્ષાની સાથે-સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સંભાળવાની રહે છે.કૈવલ્યધામ મુંબઈથી ત્રણ કલાકના અંતરે લોનાવલા સ્થિત વિશ્વની અગ્રણી યોગસંસ્થા છે. કેવલ્યધામ યોગમય પોલીસ તાલીમ કાર્યક્રમ એવા શીર્ષક હેઠળ ચાર દિવસીય કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. કાંદિવલીના ‘મીટ ઈન્ડિયા ફાઉન્ડેશને આ પ્રકલ્પમાં સહયોગ આપવાનું નકકી કર્યું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન્સના કોન્સ્ટેબલ્સએ ‘યોગમય પોલીસ ટ્રેઇનિંગ પ્રોગ્રામ’ના સહયોગી તરીકે ભાગ લીધો હતો.

 સ્વામી કુવલ્યાનંદજીએ ૧૯૨૪માં કૈવલ્યધામની સ્થાપના કરી હતી. આ યોગ સંસ્થા હાલ ૧૦૨મા વર્ષમાં કાર્યરત છે. સંસ્થા પારંપરિક યોગ અને આધુનિક વિજ્ઞાનના સંગમની એક અજોડ મિસાલ બની  છે. અહીં વૈજ્ઞાનિક સંશોધનને આધારે યોગનાં ફાયદાઓનો દુનિયાભરમાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. યોગ, પ્રાણાયામ અને ધ્યાનની સાધનાના માધ્યમથી લોકોના જીવનમાં શારિરીક અને માનસિક તંદુરસ્તી કેવી રીતે જળવાઈ શકે એ સમજાવતા અનેક કોર્સિસ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ અહીં કરાવવામાં આવે છે.પોલીસ કર્મચારીને સર્ટિફિકેટસ એનાયત

પોલીસ કોન્સ્ટેબલ્સ (મહિલા-પુરુષ બંને ) માટે કૈવલ્યધામે તા. ૫ મી માર્ચથી ૮ મી માર્ચ ૨૦૨૬ દરમિયાન ચાર દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સાંગલીના પોલીસ કોન્સ્ટેબલ્સના આ ત્રીજી બેચના સર્ટિફિકેટસ વિતરણ સમારંભમાં મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી જયેશ ચિતલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જાણીતા આર્થિક પત્રકાર રાજેશ ભાયાણી પણ હાજર હતા, તેમના બંનેના અને કૈવલ્યધામના અધિકારીઓના હસ્તે પાર્ટિસીપન્ટ પોલીસોને સર્ટિફિકેટ અપાયા હતા. આ પ્રસંગે તેમણે પોલીસોની ભૂમિકાને બિરદાવી હતી. કૈવલ્યધામ અને તેના મેનેજમેન્ટ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.આનંદમય પ્રતિભાવ

આ પ્રોગ્રામને પોલીસ કર્મચારી તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. યોગના માધ્યમથી તેઓ શારીરિક, માનસિક તેમજ આત્મિક સંતુલન જાળવવા માટે રોજિંદા જીવનમાં કેવા જરૂરી ફેરફારો લાવી શકે એ બાબતોને આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સાંકળી લેવામાં આવી હતી.