નવી દિલ્હીઃ TMCના વરિષ્ઠ નેતા કલ્યાણ બેનરજીના સૂરમાં હવે બદલાવ જોવા મળી રહ્યો છે. તેમણે અભિષેક બેનરજી પર તીખો હુમલો કર્યો છે. તેમણે એક વિડિયોમાં કહ્યું છે કે આ મારા માટે ખૂબ જ અપમાનજનક છે. તેમના અહંકારભર્યા વલણે આખી પાર્ટીને બરબાદ કરી દીધી છે. તેમને આ સમજવાની જરૂર છે. તેમના ખોટા વર્તને બધું જ બગાડી નાખ્યું છે. તેમને દરરોજ લાગે છે કે તેઓ રાજા છે. ખરાબ સમય દરમિયાન પણ. તેમણે આગળ કહ્યું હતું કે હું પાર્ટી અને મમતા બેનર્જી સાથે ઊભો છું, પરંતુ અભિષેક બેનર્જીના આ ઘમંડી વલણને કારણે મારા માટે કામ કરવું અશક્ય બની ગયું છે. હું મમતા બેનર્જી સાથે છું, પરંતુ તેમણે નક્કી કરવું પડશે કે જો તેઓ અભિષેક વગર પાર્ટી ચલાવી શકતા નથી, તો પછી હું તેમની સાથે નથી.
મમતાને અલ્ટિમેટમ
લોકસભામાં ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કરાયેલા કલ્યાણ બેનર્જી હવે પણ પાર્ટી છોડવાની દિશામાં આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે TMCપ્રમુખ મમતા બેનરજીને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે.
પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ સુધી સત્તાના કેન્દ્રમાં રહેલી મમતા બેનર્જી અને તેમની પાર્ટી હાલમાં મુશ્કેલ સમયમાં છે. એક પછી એક નેતાઓ પાર્ટીથી દૂર થઈ રહ્યા છે. 60થી વધુ ધારાસભ્યો બળવાખોર બન્યા હોવાનું કહેવાય છે. દિલ્હીમાં પણ લોકસભાના કેટલાક સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવાનો શંખનાદ કર્યો છે.
હવે કલ્યાણ બેનર્જીનો તાજો અભિગમ મમતા અને TMC માટે વધુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
VIDEO | Kolkata: “I told Derek to tell Mamata choose between Abhishek Banerjee or a worker like me”, says TMC MP Kalyan Banerjee (@KBanerjee_AITC).
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/mt25rSdgNa
— Press Trust of India (@PTI_News) June 11, 2026
અભિષેકને હટાવો, નહીં તો અમે રહી શકીશું નહીં
કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીને નેતૃત્વમાંથી દૂર કરવા જોઈએ, નહીં તો તેમના જેવા વફાદાર નેતાઓ માટે પાર્ટીમાં રહેવું મુશ્કેલ બની જશે. તેમણે અભિષેક બેનર્જી સાથે જોડાયેલા કથિત નકલી હસ્તાક્ષર કેસથી પોતાને અલગ કરવાની પણ જાહેરાત કરી. કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે અભિષેકે ક્યારેય તેમના પર વિશ્વાસ કર્યો નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે. તેમણે કહ્યું હતું કે અમે ગઈ કાલે અભિષેકના કેસની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ મધરાતે મને જણાવવામાં આવ્યું કે વકીલ બદલી દેવામાં આવ્યો છે. આ ખૂબ જ અપમાનજનક છે.






