ગુજરાતથી સીધો લાલબાગ પહોંચ્યો કાર્તિક, બાપ્પાના ચરણોમાં રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કર્યો

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. આ સિદ્ધિથી અભિનેતા ખૂબ જ ખુશ છે. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી કાર્તિક બાપ્પાના દર્શન કરવા માટે ગુજરાતના એકતા નગરથી સીધા મુંબઈના લાલબાગચા રાજા મંદિર પહોંચ્યા હતાં.

મંગળવારે ગુજરાતમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા બાદ કાર્તિક આર્યન મુંબઈ પહોંચ્યો. બુધવારે, તે સીધો લાલબાગચા રાજા ગયો જ્યાં તેણે બાપ્પાના ચરણોમાં પોતાનો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કર્યો અને પ્રાર્થના કરી. તેની ભક્તિમય ક્ષણનો એક વીડિયો વાયરલ થયો છે.

કાર્તિક આર્યને એક વીડિયો પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અગાઉ, અભિનેતાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવતા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું કે, ” ગ્વાલિયરના ‘મમ્માઝ બૉય’ને પ્રેમ અને સ્મિત સાથે યાદ કરું છું કે જેણે એવા વાતાવરણમાં પણ અભિનેતા બનવાનું સ્વપ્ન જોવાની હિંમત કરી હતી જ્યાં લોકો આવા સપનાઓ પર હસે છે અને આગળ વધે છે. હું આખરે તે ક્ષણનો સાક્ષી બન્યો અને જીવ્યો. હું હજુ પણ ઉત્સાહ અને ગભરાટથી સુન્ન છું. નાના શહેરના છોકરાનું સ્વપ્ન. દેશના દરેક અભિનેતાનું સ્વપ્ન. શ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર. ‘હું ચંદુ નથી, હું ચેમ્પિયન છું.’ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા, મુરલીકાંત પેટકર સરને મોટા પડદા પર દર્શાવવાની જવાબદારી મને સોંપવા બદલ હું હંમેશા કબીર સર અને સાજિદ સરનો આભારી રહીશ. આ સફર આઘાતજનક હતી, પરંતુ પરિણામ રસમલાઈ જેટલું મધુર છે! હું એક જ સમયે નમ્ર અને ભાવનાત્મક અનુભવું છું.”

પંડાલની મુલાકાત લીધા પછી કાર્તિકે એક પોસ્ટ પણ શેર કરી. લાલબાગચા રાજાનો ફોટો શેર કરતા કાર્તિકે લખ્યું,”મારા સુખકર્તા, દુઃખ કર્તા. શબ્દોની પાર મળ્યો તમારો આશીર્વાદ, આભાર બાપ્પા.”

પોતાના માતા-પિતા અને અન્ય સેલિબ્રિટીઓ સાથેનો ફોટો શેર કર્યો

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા પછી કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ઇવેન્ટના ફોટા શેર કર્યા. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના માતા-પિતા સાથેનો ફોટો શેર કર્યો. તેણે કેપ્શન આપ્યું,”મારા માતા-પિતા સાથેનો શ્રેષ્ઠ ક્ષણ.” તેણે અભિનેત્રી યામી ગૌતમ અને અભિનેતા મામૂટી સાથેનો ફોટો પણ શેર કર્યો.