જીનિવા : સંયુક્ત રાષ્ટ્ર (UN)માં માનવ અસ્તિત્વ અને માનવાધિકાર મુદ્દે કાશ્મીરી સામાજિક-રાજકીય કાર્યકર તસ્લીમા અખ્તરે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં વહીવટી નિષ્ફળતા, મોંઘવારી અને મૂળભૂત અધિકારો માટે થઈ રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા હિંસક અને લોહિયાળ દમનની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ખાતે આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
પોતાના સંબોધનમાં તસ્લીમાએ ભારપૂર્વક જણાવ્યું કે, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ-કાશ્મીર (PoJK)ના લોકો પાકિસ્તાન સરકારની દમનકારી નીતિઓનો ભોગ બની રહ્યા છે. એક તરફ ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટું રોકાણ કરીને પ્રગતિ લાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાન PoKના કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યું છે અને સ્થાનિક લોકોને શિક્ષણ તેમજ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી PoKમાં ચાલી રહેલા ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ના વિરોધ પ્રદર્શનો અને પ્રજાના અવાજને દબાવવા માટે હાથ ધરવામાં આવેલા બળપ્રયોગને તેમણે માનવાધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ અંગે ગંભીર દખલગીરી કરવા વિનંતી કરી હતી.




