PDEU ખાતે ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી, યુવાનોને ‘જોબ ગિવર’ બનવા આહ્વાન કર્યું

ગાંધીનગર : રાયસણ સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ‘અંત્યોદય દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેરળ અને તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વાનાથ આર્લેકરે યુનિવર્સિટીના ઓડિટોરિયમમાંથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રવચનમાં રાજ્યપાલે યુવાનોને અપીલ કરી હતી, તેઓ મહાન નેતાઓના નામે સ્થાપિત સંસ્થાઓ કે જાહેર સવલતોના ટૂંકા નામો (Acronyms) વાપરવાને બદલે પૂરા નામનો ઉપયોગ કરે. જેથી જે ઉદ્દેશ્યથી તે સંસ્થા બની છે તેનો વિચાર જીવંત રહે. તેમણે પંડિત દીનદયાલજીના ‘અંત્યોદય’ (લાઈનમાં ઉભેલા અલ્ટીમેટ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો) અને ‘એકાત્મ માનવવાદ’ (શરીર, મન અને આત્માનો સર્વાંગી વિકાસ) ના સિદ્ધાંતો સમજાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માત્ર ‘જોબ સીકર’ (નોકરી શોધનાર) બનવાના બદલે ‘જોબ ગિવર’ (રોજગાર આપનાર) બની નવી તકો ઊભી કરવા પ્રેરણા આપી હતી.

આ અવસરે રાજ્યપાલે PDEU ની 3 મહત્વપૂર્ણ નવી પહેલોનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું:

  1. રિલાયન્સ ઓનલાઇન ડિગ્રી પાથવે (Reliance Online Degree Pathway): નોકરી કરતા પ્રોફેશનલ્સ માટે B.Tech. ડિગ્રી મેળવવાનો ઓનલાઇન માર્ગ.

  2. PDEU સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્લાઇમેટ એક્શન એન્ડ ક્લીન એનર્જી: સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સુરક્ષા માટેનું કેન્દ્ર.

  3. PDEU-Kaynes સેમિકોન B.Tech. પ્રોગ્રામ: VLSI અને સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગમાં વિશિષ્ટ B.Tech. અભ્યાસક્રમ.

કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, સમાજ સુખી હશે તો જ વ્યક્તિ સુખી થઈ શકશે. તેમણે ઉમેર્યું કે દેશની દીકરીઓનો વિકાસ થશે ત્યારે જ ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર થશે. PDEU ના ડાયરેક્ટર જનરલ પ્રો. એસ. સુંદર મનોહરને સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની સિદ્ધિઓની વિગતો આપી હતી. આ પ્રસંગે ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.