ગુજરાતી ભાષા ભવન આયોજિત ‘હાસ્યનો હિલ્લોળ’માં કલાકારોની દમદાર પ્રસ્તુતિ

મુંબઈ: કાંદિવલી પશ્ચિમની ટી.પી. ભાટિયા કૉલેજના પંચોલિયા હૉલમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત દિનકર જોશી ગુજરાતી ભાષા ભવન દ્વારા ‘હાસ્યનો હિલ્લોળ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારને 31મી ઓક્ટોબરનો રોજ મંચ પર સાહિત્ય, કળા અને હાસ્યનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.કાર્યક્રમની શરૂઆત કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સંગીતા શ્રીવાસ્તવ દ્વારા દીપ પ્રાગટ્ય અને મંત્રપઠન સાથે થઈ. સંસ્થાના પ્રમુખ મહેશ શાહે વિદ્યાર્થીઓમાં સાહિત્યિક સંવેદના ખીલે તેવા ઉદ્દેશ્યથી સભ્યોનું સ્વાગત કર્યું. ત્યારબાદ મંચ પર ચાર જાણીતા કલાકારોએ પોતાની એકપાત્રી પ્રસ્તુતિઓથી પ્રેક્ષકોને હાસ્યરસમાં બોળી દીધા.સૌપ્રથમ સનત વ્યાસે કવિ રમેશ પારેખના અમર પાત્ર ‘આલા ખાચર’ને કાઠિયાવાડી બોલીમાં જીવંત કર્યું. વહૂકેલા વૈભવની ખુમારી અને બદલાતા સમય વચ્ચે ઝૂલતા બાપુનો રોફ અને લાચારી બંનેએ હાસ્ય સાથે કરુણા છાલકાવી. ત્યારબાદ ડૉ. પ્રીતિ જરીવાલાએ પોતાની સ્વલિખિત પ્રસ્તુતિમાં ‘શુદ્ધ ગુજરાતી બોલવાના આગ્રહ’માંથી ઊભી થતી રમૂજી ગૂંચવણો રજૂ કરી, જેણે લોકોને હસાવવાની સાથે પોતાની માતૃભાષા વિશે વિચારતા કર્યા.મેહુલ બુચે સંજય છેલ લિખિત ‘સરસ્વતીચંદ્ર’ની કથાને પારસી મિજાજ અને બોલીમાં રજૂ કરી એક અલગ જ રંગ જમાવ્યો. પ્રેક્ષકો વચ્ચે જઈને સંવાદ સાધવાની તેમની શૈલીથી આખો હૉલ તાજગીથી ભરાઈ ગયો. અંતમાં, મીનળ પટેલે લેખિકા ખેવના દેસાઈની કૃતિ દ્વારા વૃદ્ધાવસ્થાના અનુભવો અને સ્ત્રી સંવેદનાની મર્મસ્પર્શી વાતો હાસ્યના મધુર સ્પર્શ સાથે રજૂ કરી.

હસાઇ-હસાઇને ભાવવિભોર કરી દેનારી આ સાંજ સાહિત્યપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહી.