કેશોદ એરપોર્ટ પર એડવાન્સ્ડ નેવિગેશનલ માળખું લગાવાશે

અમદાવાદ: કેશોદ એરપોર્ટ પર2500 મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવાશે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઇટનિંગ સિસ્ટમ અને DVORની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે.

આ માહિતી નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુ કિંજરપુએ રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી. પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. રનવેની હાલ લંબાઈ 1300 મીટર છે. જે 1800 મીટર હોવી જોઈએ.

પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે. એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઇટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી.

રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી ૨૦૨૭ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. ૩૬૪ કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે ૪૦૦ ડિપાર્ટિંગ અને ૪૦૦ અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.