UPI પર ટેક્સને લઈને ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ UPI પેમેન્ટ પર ચાર્જ લગાવવાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકારની લૂંટ હવે UPI સુધી પહોંચી ગઈ છે. આસમાને પહોંચેલી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું ખિસ્સું પહેલેથી જ ખાલી છે અને મોંઘવારીથી પરેશાન જનતાને રાહત આપવાને બદલે મોદી સરકાર દરરોજ તેના ખિસ્સા પર લૂંટ નાખવાનો નવો રસ્તો શોધી રહી છે.

તેમણે મંગળવારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે હવે મોદી સરકારની લૂંટ UPI સુધી પહોંચી ગઈ છે. “No fees on UPI”ને બદલીને હવે રૂ. 2000 સુધીના UPI વ્યવહારો પર “No fees” કરી દેવામાં આવ્યું છે.

નોટબંધીને લઈને શું બોલ્યા કોંગ્રેસ અધ્યક્ષ?

તેમણે કહ્યું હતું કે આસમાને પહોંચેલી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું ખિસ્સું પહેલેથી જ ખાલી છે. જથ્થાબંધ મોંઘવારી 10 ટકાની નજીક છે અને ભાજપ સરકારે જનતા પર ડિજિટલ પેમેન્ટ્સ ટેક્સ (Digital Payments Tax) લગાવીને તેમની બચત પણ ખતમ કરવાની યોજના બનાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકારનો સૌથી મોટો પલટવાર જુઓ—10 વર્ષ પહેલાં નોટબંધી કરીને દેશના અર્થતંત્રને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. જ્યારે નોટબંધીનાં વિનાશક પરિણામો અંગે સવાલો ઊઠ્યા, ત્યારે સરકારે દલીલ કરી હતી કે ડિજિટલ પેમેન્ટ્સ (Digital Payments) અને કેશલેસ અર્થતંત્ર (Cashless Economy)ને પ્રોત્સાહન આપવા માટે નોટબંધી લાદવામાં આવી હતી.

MDR અંગે મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘નાણાં મંત્રીજીએ તાજેતરમાં સંસદમાં કહ્યું હતું કે UPI પર કોઈ ટેક્સ કે ચાર્જ લાગશે નહીં, પરંતુ અનેક અહેવાલો અનુસાર રૂ. 5,000ના વ્યવહાર પર રૂ. 25 અને રૂ. 10,000ના વ્યવહાર પર રૂ. 50 સુધીની સંભવિત વસૂલાત કરવામાં આવશે. શું આ સાચું છે? તેમણે વધુમાં કહ્યું હતું કે MDRની વાત કરીએ તો શું સરકારને એ ખબર નથી કે વેપારી પર પડતો આ વધારાનો બોજ આખરે વસ્તુઓની કિંમતો વધારીને સામાન્ય ગ્રાહકના ખિસ્સામાંથી જ વસૂલવામાં આવશે?