ખડગેએ વડા પ્રધાન મોદીને ‘આતંકવાદી’ કહેતાં ભાજપ લાલઘૂમ

નવી દિલ્હીઃ તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલે મતદાન થવાનું છે. આ માટેનો પ્રચાર મંગળવારે પૂર્ણ થવાનો છે. આ ચૂંટણીમાં DMK-કોંગ્રેસ ગઠબંધનનો મુકાબલો AIADMK અને ભાજપના ગઠબંધન સામે છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમના નિવેદન બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે.

 શું કહ્યું મલ્લિકાર્જુન ખડગેએ?

તામિલનાડુના ચેન્નઈમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ લોકો (AIADMK) મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તેઓ આતંકવાદી છે. તેઓ સમાનતામાં વિશ્વાસ રાખતા નથી. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખતી નથી. અને તેમનો તેમની સાથે જોડાવાનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને કમજોર કરી રહ્યા છે.

કોંગ્રેસ-DMK નીચ હરકતો પર ઊતરી આવી – પીયૂષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મને શરમ આવે છે કે કોંગ્રેસ અને DMK એટલી નીચ હરકત પર ઊતરી આવી છે કે તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાનને આતંકવાદી કહીને તેમનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને એમ.કે. સ્ટાલિને વડા પ્રધાન અને તેમને મત આપનાર દેશની જનતાથી માફી માગવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને DMKએ આ નિવેદનથી 140 કરોડ ભારતીયોનું અપમાન કર્યું છે, જેમાં 8 કરોડ તમિળ ભાઈ-બહેનો પણ સામેલ છે.

 મલ્લિકાર્જુન ખડગેએ આપી સ્પષ્ટતા

વિવાદ વધતાં મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર રાજકીય પક્ષો અને ખાસ કરીને ઉમેદવારોને ડરાવી રહી છે. તેઓ સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. તેઓ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે જેથી લાગે કે સરકાર વિરોધ પક્ષોને નિશાન બનાવવા માટે ઘણી શક્તિશાળી છે. એ સંદર્ભમાં મેં આ વાત કહી હતી. મેં ક્યારેય એવું નથી કહ્યું કે મોદી આતંકવાદી છે. મેં માત્ર એટલું કહ્યું હતું કે તેઓ અને તેમની સરકાર આ સંસ્થાઓનો ઉપયોગ કરીને લોકોને ડરાવી રહ્યા છે.