પક્ષીઓનું પ્રિય આ આશ્રયસ્થાન બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં પ્રજનન માટે આશીર્વાદરૂપ!

જામનગર: રામસર સાઇટ તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતું જામનગરનું પ્રખ્યાત ખીજડિયા પક્ષી અભયારણ્ય દુર્લભ કાળી ડોક ઢોક (બ્લેક-નેક્ડ સ્ટોર્ક) પક્ષીઓના સફળ પ્રજનન અને શ્રેષ્ઠ ઉછેર માટે મહત્ત્વનું કેન્દ્ર સાબિત થયું છે. ગુજરાત વન વિભાગ હેઠળની ગીર (GEER) ફાઉન્ડેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભ્યાસમાં આ પક્ષીઓના વર્તન અને વસવાટ અંગે રસપ્રદ તારણો સામે આવ્યા છે.અભ્યાસ દરમિયાન અભયારણ્યના આઠ મેનેજમેન્ટ ઝોનમાં ફેલાયેલા ૪૮ જિયોરેફરન્સ્ડ સેમ્પલિંગ પોઈન્ટનો ઉપયોગ કરીને ૩૨૦ કલાકથી વધુ સમયના અવલોકન આધારિત આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. કુલ ૮૯ નિરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે બ્લેક-નેક્ડ સ્ટોર્ક સરેરાશ ૬૨ મિનિટ સુધી માળામાં હાજર રહીને પોતાના બચ્ચાઓની વિશેષ સંભાળ રાખે છે.અભ્યાસ હેઠળના ૪ સક્રિય માળાઓમાં પ્રત્યેક જોડીએ ૨-૨ બચ્ચાંનો સફળતાપૂર્વક ઉછેર કર્યો હતો, જેથી કુલ ૮ નવા બચ્ચાં નોંધાયા હતા. આ ઉપરાંત ૫ બિન-પ્રજનન પુખ્ત પક્ષીઓ સહિત સમગ્ર અભ્યાસ સમયગાળા દરમિયાન અભયારણ્યમાં આ વિશિષ્ટ પક્ષીઓની કુલ સંખ્યા ૨૧થી વધુ નોંધાઈ હતી, જે રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ માટે ઉત્સાહજનક બાબત છે.