ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેમનો અસલી દબદબો હજુ પણ કાયમ છે. વિશ્વકપ 2027 સુધીમાં વિરોધી ટીમો માટે તેઓ મોટો ભય બન્યા રહેશે એ વાતનો પુરાવો તેમણે તિરુવનંતપુરમમાં વેસ્ટઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચમાં આપી દીધો છે. વિરાટ કોહલીએ વિન્ડીઝના ફાસ્ટ બોલરો તેમજ સ્પિનરોની બરાબરની ધોલાઈ કરીને પોતાના વનડે કરિયરની 55 મી આક્રમક સદી ફટકારી હતી.

તિરુવનંતપુરમ ગ્રાઉન્ડ પર કોહલીનું સતત બીજું શાનદાર સતક
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કુલ 3 સદી જોવા મળી હતી. વિન્ડીઝના ઓપનર જસ્ટિન ગ્રીવ્સે પોતાની પ્રથમ વનડે સદી બનાવી હતી, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાની 10 મી વનડે સદી પૂર્ણ કરી હતી. પરંતુ આ બધાની વચ્ચે વિરાટ કોહલીની ઇનિંગ સૌથી વધુ વિસ્ફોટક રહી હતી. આ મેદાન પર વનડેમાં તેમની આ સતત બીજી સદી હતી, જ્યારે વેસ્ટઇન્ડીઝ સામે વનડેમાં 10 મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવરઓલ 86 મી સદી હતી.

સિક્સર સાથે સદી અને કરિયરમાં નવો રેકોર્ડ
296 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પ્રથમ વિકેટની 70 રનથી વધુની ભાગીદારી બાદ જ્યારે વિરાટ ક્રિઝ પર આવ્યા ત્યારે તેમણે પ્રથમ બાઉન્ડ્રી છગ્ગાના સ્વરૂપમાં મેળવી હતી. આ પછી તેમણે વિન્ડીઝના બોલરો પર સતત આક્રમણ ચાલુ રાખ્યું હતું. વિરાટે સિક્સર ફટકારીને જ પોતાની અર્ધસદી પૂરી કરી હતી અને ત્યારબાદ માત્ર 74 બોલમાં શાનદાર છગ્ગા સાથે પોતાની સદી પણ પૂરી કરી હતી. વિરાટ કોહલીના વનડે કરિયરમાં આ પ્રથમ એવો પ્રસંગ હતો જ્યારે તેમણે સિક્સર ફટકારીને સદી પૂરી કરી હોય.
9 સિક્સર સાથે મેચ વિનિંગ ફિનિશ
સદી પૂરી કર્યા પછી પણ કોહલી રોકાયા ન હતા અને અતિ આક્રમક અંદાજમાં બેટિંગ ચાલુ રાખી હતી. તેમણે સદી બાદ વધુ 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 41.4 ઓવરમાં જ ભારતને મેચ જીતાડી દીધી હતી. વિરાટે 88 બોલમાં 10 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા સાથે અણનમ 139 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેમણે સતત 2 સિક્સર ફટકારીને જ મેચનો અંત આણ્યો હતો. એક વનડે ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકારવાનો આ વિરાટ કોહલીનો નવો વ્યક્તિગત રેકોર્ડ છે.




