ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહને કિરણ રિજિજુએ ગણાવ્યા ‘દિમાગી નક્સલ’

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ પોતાને ગર્વથી ‘દિમાગી નક્સલ’ ગણાવીને વિવાદોમાં ઘેરાઈ ગયા છે. તેમણે વિદ્યાર્થી સંઘની પુનઃસ્થાપનાની માગણી સાથે પ્રદર્શન કરી રહેલા જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓને સમર્થન આપતાં સરકારની ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગર્વથી ‘દિમાગી નક્સલ’ ગણાવ્યા હતા. તેમના આ નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે સહિતના અનેક લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

કિરણ રિજિજુએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મને તો લાગતું હતું કે નસીરુદ્દીન એક સામાન્ય અભિનેતા છે. હું તેમનું સન્માન કરતો હતો અને તેમને પસંદ કરતો હતો. મને ક્યારેય ખબર નહોતી કે તેઓ એક ખતરનાક શહેરી દિમાગી નક્સલ છે. તેમના અસલી ચરિત્ર વિશે મને બહુ મોડેથી જાણવા મળ્યું. આ ભારતના લોકતંત્ર માટે અત્યંત વિનાશક છે.

મંત્રી નિતેશ રાણેનો નસીરુદ્દીન શાહ પર પ્રહાર

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ પણ નસીરુદ્દીન શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે જુઓ, વાત એ છે કે નસીરુદ્દીન શાહ માનસિક રીતે નક્સલી છે. તેમને પાકિસ્તાનની સ્ક્રિપ્ટ વાંચવા માટે પૈસા મળે છે. હવે ફિલ્મોમાં પણ તેમની પાસે વધારે કામ બચ્યું નથી. પહેલાં તેમને જઈને એટલું તો પૂછો કે તેઓ દિવસમાં કેટલા કલાક ભાનમાં રહે છે. ત્યાર બાદ જ તેમને ગંભીરતાથી લેવાનું શરૂ કરવું જોઈએ.

નસીરુદ્દીન શાહે શું કહ્યું હતું?

નસીરુદ્દીન શાહે મંગળવારે ફેસબુક પર એક વિડિયો પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાનો અને દેશના યુવાનોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયો દરમિયાન તેમણે ‘દિમાગી નક્સલ’ લખેલું બેજ પણ પહેર્યું હતું અને કેમેરા સામે તેને બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું ગર્વથી જાહેર કરું છું કે હું ‘દિમાગી નક્સલ’ છું. મને ખબર નથી કે સુરક્ષા કર્મચારીઓએ મારા જેવા લોકોને બીજા કયા-કયા ઉપનામ આપ્યાં છે. રાષ્ટ્રવિરોધી, ‘ટુકડે-ટુકડે’ ગેંગ અને બીજું શું-શું.”

ઉલ્લેખનીય છે કે નસીરુદ્દીન શાહે જુલાઈમાં નીટ પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓને લઈને કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનનો સામનો કરવામાં સરકારની રીતની પણ ટીકા કરી હતી.