કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી છે. શુક્રવારે વહેલી સવારે તેમને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એનએલ રિલાયન્સ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

91 વર્ષીય કોકિલાબેન અંબાણીની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,જ્યાં ડોકટરોની આખી ટીમ તેમની સારવારમાં રોકાયેલી છે. હાલમાં, પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આખો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે. મુકેશ અંબાણી સવારે કાલિની એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અનિલ અંબાણીને તેમની પત્ની ટીના અંબાણી સાથે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા.

કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરિવાર હોસ્પિટલ પહોંચી રહ્યો છે. હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું સ્વાસ્થ્ય હાલમાં સ્થિર છે. તમને જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણી ધીરુભાઈ અંબાણીના પત્ની છે. તેમણે 1955માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર તેમના ચાર બાળકો છે. કોકિલાબેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડર છે.

હાલમાં, કોકિલાબેન તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 0.24 ટકા શેર છે, જે લગભગ 1,57,41,322 શેર છે. જો આપણે શેરના વર્તમાન મૂલ્યને ધ્યાનમાં લઈએ, તો તેમની સંપત્તિ 18,000 કરોડ રૂપિયાથી વધુ છે.