કચ્છ: જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા)ની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા બદલ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
SOGની બાતમીના આધારે તપાસનો ધમધમાટ
પશ્ચિમ કચ્છ SOGને ચોક્કસ બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ફકીરમામદ છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી શેર કરતો હતો. તે સતત એવી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કન્ટેન્ટ મૂકતો હતો. જેનાથી દેશની એકતા અને અખંડિતતા જોખમાય. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી સામે પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નેટવર્ક અને ડિજિટલ પુરાવાઓની તપાસ તેજ
ફકીરમામદ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરી તેની અટકાયતની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ શખસ અન્ય કોના સંપર્કમાં હતો અને તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ. હાલમાં તેના તમામ ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.




