મુંબઈ: રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જ્યારે યશ રાવણના પાત્રમાં નજરે પડે છે. ફિલ્મની ભવ્યતા અને કલાકારોના લુકની સતત ચર્ચા થઈ રહી છે. જોકે, હવે રામાનંદ સાગરની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા સુનીલ લહરીએ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સુનીલ લહરીને નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ખાસ પસંદ આવી નથી. તેમણે ફિલ્મમાં ભક્તિ અને દિવ્યતાની કમી હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ અનેક મહત્વપૂર્ણ દૃશ્યો ન હોવા અને રાવણના પાત્રને જરૂર કરતાં વધુ મહિમા આપવામાં આવ્યો હોવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
શું કહ્યું સુનીલ લહરીએ?
સુનીલ લહરીએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ફિલ્મ જોયા બાદનો પોતાનો અનુભવ જણાવ્યો હતો.તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મ જોવાનો અનુભવ મિશ્ર રહ્યો હતો. તેમણે કહ્યું કે રામાયણ જેવા ધાર્મિક વિષય પર આધારિત ફિલ્મમાં જે દિવ્યતા અને ભક્તિ હોવી જોઈએ, તે જોવા મળી નથી.
આ ઉપરાંત ફિલ્મમાંથી અનેક મહત્વપૂર્ણ દૃશ્યો ગાયબ હોવાનું પણ તેમને લાગ્યું હતું. સંવાદો અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મતે, કેટલાક દૃશ્યોમાં વાતચીત કરવાની રીત એટલી ગૌરવપૂર્ણ નહોતી, જેટલી રામાયણ જેવી ફિલ્મમાં હોવી જોઈએ.સુનીલ લહરીએ ખાસ કરીને રાવણના પાત્રને વધુ પડતું મહિમામંડિત કરવામાં આવ્યું હોવાની વાત કહી હતી.
તેમણે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, “નવી રામાયણ જોઈ. અનુભવ મિશ્ર રહ્યો. ફિલ્મમાં દિવ્યતા અને ભક્તિ જોવા મળી નહીં. અનેક મહત્વપૂર્ણ દૃશ્યો ગાયબ છે. કેટલાક દૃશ્યોમાં સંવાદો રજૂ કરવાની રીત ગૌરવપૂર્ણ નહોતી. રાવણના પાત્રને ખૂબ જ વધારે મહિમામંડિત કરવામાં આવ્યું છે.”
બોક્સ ઓફિસ પર ‘રામાયણ’ની શાનદાર કમાણી
એક તરફ સુનીલ લહરીની આ ટિપ્પણીને લઈને ફિલ્મની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ બોક્સ ઓફિસ પર ‘રામાયણ: પાર્ટ 1’ શાનદાર પ્રદર્શન કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિવાળીના ત્રણ દિવસ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં રૂ. 440 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોવાનું જણાવાયું છે. જ્યારે વિદેશી બજારમાં ફિલ્મની કમાણી રૂ. 800 કરોડનો આંકડો પાર કરી ગઈ હોવાનો દાવો છે.
આમ, એક તરફ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો બીજી તરફ સુનીલ લહરીની ટીકા બાદ ફિલ્મની રજૂઆત, ભક્તિભાવ અને પાત્રોની રજૂઆત અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.






