લલિત મોદી 16 વર્ષ બાદ ભારત પરત ફરશે?

નવી દિલ્હીઃ IPLના ફાઉન્ડર અને જાણીતા બિઝનેસમેન લલિત મોદીએ એવા અહેવાલોને જોરદાર રીતે ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ‘બિગ બોસ 20’માં ભાગ લેશે. IPLના ભૂતપૂર્વ ચેરમેને ગુરુવારે એક કાનૂની નોટિસ જાહેર કરીને આ અફવાઓને ‘ફેક ન્યૂઝ’ ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ન તો તેમને રિયાલિટી શોમાં સામેલ થવા માટે કોઈ ઓફર મળી છે અને ન તો તેઓ તેમાં ભાગ લેવાનો કોઈ ઇરાદો ધરાવે છે.

શું છે  મામલો?

લલિત મોદીએ પોતાના સોશિયલ મિડિયા પર કાનૂની નોટિસ શેર કરી હતી. તેમણે કોઈ પુરાવા વિના સમાચાર ફેલાવવા બદલ મિડિયા હાઉસની ટીકા કરી અને અપીલ કરી કે આવા કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં તેમની હકીકતની ચકાસણી કરવામાં આવે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “ફેક ન્યૂઝ. બસ વાત પૂરી. ‘બિગ બોસ 20’ માટે મારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. હું ‘બિગ બોસ 20’માં ભાગ લઈ રહ્યો નથી અને મારો એવો કોઈ ઇરાદો પણ નથી. આશ્ચર્યની વાત છે કે જે વ્યક્તિ વિશે વાત કરવામાં આવી રહી છે, તેને પૂછવાની તસ્દી લીધા વિના સંપૂર્ણપણે બનાવટી વાર્તા ‘સમાચાર’ બની જાય છે. મારા વકીલોએ સાથે કાનૂની નોટિસ જાહેર કરી છે. કદાચ આગલી વખતે કંઈ પણ પ્રકાશિત કરતા પહેલાં હકીકતની પુષ્ટિ કરી લેશો.

કાનૂની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે લલિત મોદીના નિર્દેશ પર અને તેમના વતી સામાન્ય જનતા, ખાસ કરીને પ્રેસ, મિડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યોને જાણ કરવામાં આવે છે કે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મિડિયામાં એવા અહેવાલો પ્રકાશિત અને પ્રસારિત થયા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘બિગ બોસ 20’ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં ભાગ લેવા માટે લલિત મોદીનો સંપર્ક કરવામાં આવ્યો છે અથવા તેમને શોમાં સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

નોટિસમાં વધુમાં જણાવાયું છે કે આવા તમામ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.