કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન: ફસાયેલા ૧,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ

ઉત્તરાખંડ: સતત થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે કેદારનાથ યાત્રા માર્ગ પર મોટું ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગૌરીકુંડથી લગભગ ૩ કિલોમીટર દૂર ચીરબાસા હેલિપેડ નજીક પર્વત પરથી કાટમાળ અને પથ્થરો ધસી આવતાં કેદારનાથ પેદલ માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. આ ઘટનાને પગલે માર્ગ પર અંદાજે ૧,૫૦૦ જેટલા યાત્રાળુઓ અટવાઈ પડ્યા હતા.

સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન: સોનપ્રયાગ પોલીસને માહિતી મળતાં જ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), NDRF અને DDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સંયુક્ત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

જોખમી સ્થિતિ વચ્ચે બચાવ: પર્વત પરથી સતત પથ્થરો પડી રહ્યા હોવા છતાં, જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક તમામ 1500 શ્રદ્ધાળુઓને ભૂસ્ખલનવાળા ખતરનાક ઝોનમાંથી બહાર કાઢીને સુરક્ષિત રીતે ગૌરીકુંડ પહોંચાડ્યા હતા.

ચારધામ યાત્રા સ્થગિત: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે સુરક્ષાના કારણોસર ચારધામ યાત્રા સતત બીજા દિવસે પણ રોકી દેવામાં આવી છે. તંત્ર દ્વારા યાત્રાળુઓને સલામત સ્થળે રહેવા અને હવામાનની માહિતી મેળવ્યા બાદ જ આગળ વધવા અપીલ કરવામાં આવી છે.