વારાણસી: રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે જાપાનના દિવંગત પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની સ્મૃતિમાં ‘શિંઝો આબે મેમોરિયલ કોરિડોર’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શિંઝો આબેના ધર્મપત્ની અકી આબે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પતિની યાદમાં બનેલા આ કોરિડોરનું લોકાર્પણ કરતા સમયે અકી આબે ભાવુક થઈ ગયા હતા.
સમારંભને સંબોધતા અકી આબેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ૨૦૧૫માં શિંઝો આબે સાથે વારાણસીની મુલાકાત અને ગંગા આરતીના મનોરમ દ્રશ્યો યાદ કર્યા હતા. આ ઉપરાંત તેમણે કાશી (વારાણસી) અને ક્યોટો (જાપાન) વચ્ચેના સાંસ્કૃતિક સામ્યતાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભારત-જાપાનના ગાઢ સંબંધોમાં શિંઝો આબેના યોગદાનને બિરદાવ્યું હતું અને આ મેમોરિયલ કોરિડોર બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રતીક બની રહેશે તેમ જણાવ્યું હતું.




