નવી દિલ્હીઃ આજકાલ EMI પર સ્માર્ટફોન ખરીદવાનો ટ્રેન્ડ ખૂબ સામાન્ય બની ગયો છે. પરંતુ ઘણી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહક સમયસર EMI ન ભરે તો ફોનને રિમોટલી લોક કરી દે છે. હવે આ વધતી પ્રથાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક (RBI)એ કડક નિયમો જાહેર કર્યા છે.
RBIનું આ નવું ફ્રેમવર્ક 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે. આ લોન રિકવરી અને રિકવરી એજન્ટ્સ સંબંધિત સુધારેલા માર્ગદર્શકોનો ભાગ છે અને પ્રથમ વખત ટેક્નોલોજી આધારિત રિકવરી માટે વિગતવાર નિયમો બનાવવામાં આવ્યા છે.
RBIનો નવો નિયમ શું કહે છે?
RBIએ નોંધ્યું છે કે ઘણી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ EMI બાકી રહેતાં લોન પર ખરીદાયેલા સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપને ટેક્નોલોજીની મદદથી રિમોટલી લોક કરી રહી છે. બેંકને પોતાનું લોન વસૂલવાનો અધિકાર છે, પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ ગ્રાહકોને હેરાન કરવા અથવા ગેરવાજબી રિકવરી માટે ન થાય તે માટે RBIએ સમગ્ર પ્રક્રિયા, નોટિસ, સમયમર્યાદા અને ગ્રાહકોના અધિકારો નક્કી કર્યા છે.
શું બેંક કોઈ પણ ફોન લોક કરી શકે?
જવાબ છે – ના.
એક EMI ચૂકી જતાં જ ફોન લોક નહીં થાય
RBIના નવા નિયમો અનુસાર માત્ર એક EMI બાકી રહેતાં જ બેંક ફોન લોક કરી શકશે નહીં. લોન એકાઉન્ટ ઓછામાં ઓછું 30 દિવસ સુધી ઓવરડ્યુ રહેશે ત્યારે જ ડિવાઇસ પર પ્રથમ પ્રકારનો પ્રતિબંધ લગાવી શકાશે.
જો લોન 60 દિવસ સુધી બાકી રહેશે, ત્યારે જ બેંક અથવા ફાઇનાન્સ કંપની ડિવાઇસને સંપૂર્ણ રીતે લોક કરી શકશે. એટલે કે ગ્રાહકોને બાકી EMI ચૂકવવા માટે પૂરતો સમય મળશે અને તરત જ ફોન બંધ કરી શકાશે નહીં.
ફોન લોક થયા પછી પણ સંપૂર્ણપણે નિષ્ક્રિય નહીં બને
RBIએ સ્પષ્ટ સૂચના આપી છે કે ફોનને સંપૂર્ણપણે બિનઉપયોગી બનાવી શકાશે નહીં. ફોન લોક થયા પછી પણ નીચેની આવશ્યક સુવિધાઓ ચાલુ રાખવી ફરજિયાત રહેશે:
- ઇનકમિંગ કોલ
- SMS
- SOS અને ઇમર્જન્સી કોમ્યુનિકેશન
- નોકરી અથવા કામ સાથે સંબંધિત જરૂરી સુવિધાઓ
તેનો હેતુ એ છે કે EMI મોડી થતાં ગ્રાહક સંપૂર્ણપણે દુનિયાથી કટ ન થઈ જાય.

ફોન લોક કરતા પહેલાં નોટિસ આપવી ફરજિયાત
એ ઉપરાંત, ડિવાઇસ લોક કરતાં પહેલાં પણ ગ્રાહકને બાકી રકમ ચૂકવવાની તક આપવા માટે અગાઉથી નોટિસ આપવી ફરજિયાત રહેશે.




