વિધાનસભા નજીક વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જઃ JPSCના ભૂતપૂર્વ અધ્યક્ષની ધરપકડ

રાંચીઃ ઝારખંડ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ રાજ્યમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સોમવારે રાંચીમાં વિધાનસભા નજીક પહોંચી ગયા હતા. પોલીસે વિદ્યાર્થીઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને લાઠીચાર્જ પણ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC)ની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિરોધ કરી રહ્યા છે. એ દરમિયાન ઝારખંડ CIDએ JPSCના ભૂતપૂર્વ અધ્યક્ષ એલ. ખાંગ્યાતેની ધરપકડ કરી છે.

સરકાર સાથેની વાતચીત રહી નિષ્ફળ

રવિવારે હેમંત સોરેનના નેતૃત્વવાળી ઝારખંડ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વિરોધ પ્રદર્શન ખતમ કરવા માટે વાતચીત થઈ હતી. જોકે આ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. બંને પક્ષોએ મામલો ઉકેલવા માટે ગંભીર ન હોવાનો એકબીજા પર આરોપ લગાવ્યો હતો. વાતચીત દરમિયાન શું થયું તે અંગે બંને પક્ષોના અલગ-અલગ દાવા સામે આવ્યા છે. રાજ્ય સરકારનો દાવો છે કે તેણે વિદ્યાર્થીઓની 98 ટકા માગો સ્વીકારી લીધી હતી, જ્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારનો આ દાવો સાચો નથી.

ઝારખંડના વિદ્યાર્થીઓ શું માગ કરી રહ્યા છે?

રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માગોમાં રાજ્યની ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની CBI તપાસ, 2019 બાદ યોજાયેલી તમામ JSSC CGL, JSSC JE અને PGT પરીક્ષાઓ રદ કરવી તેમ જ રાજ્ય સરકારની નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા દોષિતો સામે કડક કાર્યવાહી, કેટેગરી મુજબ કટ-ઓફ જાહેર કરવી, OMR શીટ જાહેર કરવી અને UPSC તથા SSCની તર્જ પર ભરતી કેલેન્ડર જાહેર કરવાની પણ માગ કરી છે.

EDએ પણ નોંધ્યો કેસ

આ ઉપરાંત સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ JPSC પરીક્ષા કૌભાંડને લઈને કેસ નોંધ્યો છે. EDએ JPSC મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.