વોટર પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસનું લીકેજઃ 40 લોકો હોસ્પિટલમાં દાખલ

નાગપુરઃ  ગોધની વિસ્તારમાં કલેક્ટરેટ કોલોની પાસે આવેલા એક વોટર પ્લાન્ટમાં ટેન્કરમાંથી ક્લોરિન ગેસ લીકેજ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગેસની અસરને કારણે અનેક સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી.

મોડી રાત્રે ગેસ લીક થયો

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ક્લોરિન ગેસની અસર મુખ્યત્વે વોટર પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં જ રહી હતી. જોકે આસપાસના વિસ્તારમાં હજુ પણ ક્લોરિનની ગંધ અનુભવાઈ રહી છે.

માનકાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હર્ષ કાલશેકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર જીવન ઓથોરિટીનું એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગોધની નગર પંચાયતના અધિકાર ક્ષેત્રમાં આવેલું છે. પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થવાની માહિતી રાત્રે લગભગ 12:45 વાગ્યે મળી હતી. પ્રાપ્ત માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અનેક લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક લોકો પોતાની રીતે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ઘટનાસ્થળની આસપાસના 200 મીટરના વિસ્તારને ‘નો-મેન્સ-લેન્ડ’ જાહેર કરીને બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. રહેવાસીઓને ઘરો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી હતી.

NDRF અને ફાયર બ્રિગેડે સંભાળ્યો મોરચો

NDRF અને નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ગેસ લીકેજને રોકવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. હાલ લગભગ 90 ટકા લીકેજને રોકી દેવામાં આવ્યું છે અને 40 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ સ્થિતિ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં છે. અધિકારીઓએ લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. ત્રણથી ચાર લોકો ICUમાં સારવાર હેઠળ છે, પરંતુ તમામની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર તપાસમાં જોડાયું

ગેસ લીકેજથી કુલ કેટલા લોકો પ્રભાવિત થયા છે તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ છે. અધિકારીઓ ઘટનાનાં કારણો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તેની તપાસ કરી રહ્યા છે, જેથી ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણી શકાય.