અખિલ ભારતીય ફોટો એક્ઝિબિશન ‘લેન્ડસ્કેપ કેરલ’નું વડોદરામાં આયોજન

વડોદરા: સ્વયંમ ભગવાનનો દેશ એવા નામે ઓળખાતા કેરળની મનોહર પ્રકૃતિ અને આકર્ષક સંસ્કૃતિને ફોટો સ્વરૂપે નજરે જોવાનો અવસર વડોદરામાં આવ્યો છે. કેરળના સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત અખિલ ભારતીય ફોટો પ્રદર્શન લેન્સકેપ કેરળ આ ૨૭ જાન્યુઆરીથી વડોદરાના એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં દેશના ટોચના ૧૦ ટ્રાવેલ અને મીડિયા ફોટોગ્રાફરો દ્વારા લેવાયેલ કેરળની તસ્વીરો જોવાનો મોકો મળશે.સૌથી પહેલા ૨૦ જાન્યુઆરીથી ચાર દિવસ સુધી દિલ્હીમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પછી, હવે ૨૭થી ૨૯ જાન્યુઆરી સુધી વડોદરાવાસીઓને આ એક્ઝિબિશન જોવાનો લ્હાવો મળશે. આ એક્ઝિબિશનમાં કેરળને એક સ્થળ તરીકે રજૂ કરવા ઉપરાંત, રાજ્યની ભૌગલિક વિશેષતા, સંસ્કૃતિ અને પ્રકૃતિની આબેહૂબ છબીઓને પણ રજૂ કરવામાં આવી છે.  સુપ્રસિદ્ધ લેખક, વિવેચક અને આર્ટ ક્યુરેટર ઉમા નાયર દ્વારા આ પ્રદર્શન ડિઝાઈન કરવામાં આવ્યું છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ દીપ પ્રજ્વલિત કરી આ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.કેરળ ટુરિઝમના આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ફોટોગ્રાફરે ગયા વર્ષે નવેમ્બર તેમજ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે પાંચ દિવસ પ્રવાસ કર્યો હતો અને તેમણે પોતાના આ પ્રવાસ દરમિયાન પ્રકૃતિ, વન્યજીવન, વારસો, ગ્રામીણ અને દરિયાકાંઠાનું જીવન, સ્થાપત્ય, તહેવારો અને આધ્યાત્મિકતા જેવા વિવિધ વિષયોને આવરી તેને તસવીરોનું સ્વરૂપ આપ્યું છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ઐશ્વર્યા શ્રીધર, અમિત પસરિચા, એચ સતીશ, કૌંટેય સિંહા, મનોજ અરોરા, નતાશા કરતાર હેમરાજાની, સાયબલ દાસ, સૌરભ ચેટર્જી, શિવાંગ મહેતા અને ઉમેશ ગોગનાના ફોટોગ્રાફ્સ જોવા મળશે.આમ તો આ પ્રદર્શન માટે દરેક ફોટોગ્રાફરના કુલ ૧૦૦ ફોટોગ્રાફ ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઉમા નાયરના અનુભવી દ્રષ્ટિકોણની મદદથી કુલ છ-છ ફોટા હાલ પૂરતા અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનના કયુરેટર ઉમા નાયર ચિત્રલેખા.કોમને કહે છે, ‘અહીં પ્રદર્શિત કરવામાં આવેલી દરેક તસ્વીરની એક કહાની છે.’તાજેતરના વર્ષોમાં કેરળ ફરવા જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. માટે આ રાજ્યને એક સ્થાપિત પ્રવાસન સ્થળ તરીકે પ્રદર્શિત કરવા આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમુક હદે સફળતા પણ મળી છે. કારણ કે આ પ્રદર્શનમાં જોવા મળતા ૬૦ ફોટોગ્રાફ્સમાં કેરળની ખૂબ જ અનોખી બાજુ જોવા મળે છે. તેમાં પણ અહીં રજૂ કરાયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ અહીં આવતા દરેકનું ધ્યાન ખેંચે છે.આ પ્રદર્શનમાં ઐશ્વર્યા શ્રીધર દ્વારા લેવાયેલ તસવીરોને સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. મૂળ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઐશ્વર્યાએ અસલમાં આ પ્રોજેક્ટ માટે ખાસ એરિયલ ફોટોગ્રાફી કરી છે, જે કેરળને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલી નાખે છે. ઉપરાંત સાયબલ દાસની બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી, શિવાંગ મહેતાની વન્યજીવનના વિવિધ રંગરૂપ દર્શાવતી તસવીરો અને ઉમેશ ગોગના દ્વારા ઉંડાણપૂર્વક વિવિધ એન્ગલથી લેવાયેલ ફોટોગ્રાફ પણ અચૂકપણે જોવાલાયક છે.વડોદરામાં ત્રણ દિવસ રહ્યા પછી આ પ્રદર્શન આવતા મહિને અમદાવાદમાં પણ યોજાશે. ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન મુંબઈ, પુના, બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકત્તામાં પણ લોકોને આ અદભૂત પ્રદર્શન જોવાનો મોકો મળશે. સૌથી છેલ્લે ૨૯ માર્ચે આ પ્રદર્શન સુરત પહોંચશે અને ૩૧ માર્ચે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

(નિતુલ ગજ્જર – વડોદરા)