દેશમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલાણ ફાટ્યા બાદ પણ દંડની રકમ ન ભરતા વાહનચાલકો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચલાણની વસૂલાત માટે કોર્ટે એક અનોખું અને સખત સૂચન આપતા કહ્યું કે જો લોકો ટ્રાફિક દંડ ન ભરે તો તે રકમને તેમના માસિક વીજળીના બિલમાં ઉમેરી દેવી જોઈએ. કોર્ટનું માનવું છે કે વીજળી કનેક્શન કપાઈ જવાના ડરે લોકોએ ફરજિયાતપણે વીજ બિલ સાથે ટ્રાફિક દંડ પણ ભરવો જ પડશે.
જસ્ટિસ JB પારડીવાલાની ખંડપીઠે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, માત્ર ઈ-ચલાણ ઈશ્યૂ કરી દેવાથી જવાબદારી પૂરી થઈ જતી નથી. પોલીસ લાખો ઈ-ચલાણ મોકલી શકે છે, પરંતુ ખરી પડકાર તેની વસૂલાત કરવાનો છે. કોર્ટમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ પણ 45,000 crore રૂપિયાના ઈ-ચલાણની વસૂલાત બાકી છે, જેમાંથી અત્યાર સુધી માત્ર 25,000 crore રૂપિયા જ વસૂલ થઈ શક્યા છે.

ચલાણ બાકી હશે તો કાગળો અને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે
સુપ્રીમ કોર્ટે અધિકારીઓને જમીની હકીકત સમજીને નક્કર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી વાહનચાલકના તમામ ચલાણ ક્લિયર ન થાય ત્યાં સુધી:
વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) નું રિન્યુઅલ કે ડુપ્લિકેટ સર્ટિફિકેટ જારી ન કરવું જોઈએ.
વાહનના ઓનરશિપ ટ્રાન્સફર (માલિકી બદલાવ) પર સંપૂર્ણ રોક લગાવવી જોઈએ.
વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ અટકાવી દેવું જોઈએ.
ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા અને વાહન જપ્ત કરવા સુધીના પગલાંની ભલામણ
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે નિયમભંગ કરનારા વાહનોને પરિવહન પોર્ટલ પર ‘બ્લેકલિસ્ટ’ કરી દેવા જોઈએ. આ ઉપરાંત વાહનચાલકના ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યુઅલ પર રોક લગાવવી અથવા હાલના લાયસન્સને સસ્પેન્ડ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. દંડ ન ભરનારા વાહનો માટે PUC સર્ટિફિકેટ જારી કરવા પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. કોર્ટે સૂચવ્યું કે રસ્તા પર વાહનોનું રેન્ડમ ચેકિંગ થવું જોઈએ અને જો ચલાણ ચૂકવવામાં ન આવ્યું હોય તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવી જોઈએ.



