VIDEO: હેન્ડપંપમાંથી પાણીને બદલે હેન્ડપંપમાંથી નીકળ્યો દેશી દારૂ

ઝાંસી (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન એક ઘરના આંગણામાં લાગેલા હેન્ડપંપમાંથી પાણીને બદલે કાચો દારૂ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને આબકારી વિભાગની સંયુક્ત ટીમે દરોડા દરમિયાન હેન્ડપંપ ચલાવતા તેમાંથી દારૂ નીકળ્યો હતો.

આ દરોડાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ હેન્ડપંપ ચલાવીને ટબમાં દારૂ ભેગો કરતા અને ત્યારબાદ તેને કેનમાં ભરતા જોવા મળે છે.

૨૧ નવેમ્બરના રોજ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ટીમને જાણવા મળ્યું કે જમીનની અંદર ગુપ્ત રીતે કાચો દારૂ સંતાડીને રાખવામાં આવ્યો હતો અને તેને બહાર કાઢવા માટે ઉપર સામાન્ય હેન્ડપંપ ફિટ કરવામાં આવ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે આ હેન્ડપંપનો ઉપયોગ દારૂ ખેંચવા માટે થઈ રહ્યો હતો.

પોલીસ અને આબકારી વિભાગની ટીમે ઘટનાસ્થળેથી આશરે ૩૦ લિટર ગેરકાયદે કાચો દારૂ જપ્ત કર્યો હતો અને ગેરકાયદે વેચાણમાં તેનો ઉપયોગ અટકાવવા માટે સ્થળ પર પડેલો આશરે ૧,૦૦૦ લિટર કાચો દારૂ નાશ કર્યો હતો. પોલીસે તેજપુરા ઘુરાટ ગામની ૩૦ વર્ષીય મહિલાની ધરપકડ કરીને તેની સામે આબકારી અધિનિયમ (Excise Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.