સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

8

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મહાકુંભ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં પૂર્ણ થયો છે. રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીના વિવિધ સ્તરે યોજાયેલા આ ચૂંટણી જંગમાં કુલ 25,000 થી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્રના મતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્યાંય કોઈ મોટી અપ્રિય ઘટના બની નથી અને લોકોએ લોકશાહીના આ પર્વમાં હોંશેહોંશે ભાગ લીધો છે.

આ ચૂંટણીમાં મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની સરખામણીએ વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યની 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 62.38 ટકા જેટલું બમ્પર મતદાન નોંધાયું છે, જ્યાં 14,198 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. તેવી જ રીતે, 34 જિલ્લા પંચાયતોમાં પણ 61.69 ટકા મતદાન સાથે મતદારોએ જાગૃતિ બતાવી છે. 84 નગરપાલિકાઓની વાત કરીએ તો ત્યાં સરેરાશ 59.50 ટકા મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે નાના શહેરો અને ગ્રામ્ય સ્તરે લોકો પોતાના પ્રતિનિધિ પસંદ કરવા માટે વધુ સક્રિય રહ્યા છે.

બીજી તરફ, રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી સરેરાશ 49.02 ટકા નોંધાઈ છે. આ મનપાઓની 1001 બેઠકો પર 3145 ઉમેદવારો લડી રહ્યા છે. જોકે, ગત ચૂંટણીની સરખામણીએ કેટલાક મોટા શહેરોમાં મતદાનના જૂના રેકોર્ડ તૂટ્યા છે, જે રાજકીય પક્ષો માટે ચિંતા અને આશા બંનેના સંકેત આપી રહ્યા છે. હવે તમામ પક્ષો અને ઉમેદવારોની નજર આગામી મંગળવારે થનારી મતગણતરી પર ટકેલી છે. શનિવાર અને રવિવારની રજાઓ બાદ સોમવારે રાજકીય પંડિતો જીત-હારના ગણિત માંડશે અને મંગળવારે સ્પષ્ટ થશે કે જનતાએ કોના શિરે સત્તાનો તાજ પહેરાવ્યો છે.