ટ્રેન રોકી સમોસાં લેવા ઊતર્યો લોકો પાયલટઃ વિડિયો વાયરલ

ઇન્દોરઃ મધ્ય પ્રદેશની ઇન્દોર-મહુ (ડો. આંબેડકરનગર) DEMU ટ્રેન સાથે જોડાયેલો એક વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેનના લોકો પાયલટ (ટ્રેન ડ્રાઈવર)એ પાટા પાસે આવેલી એક દુકાનમાંથી સમોસાં ખરીદવા માટે ટ્રેન રોકી દીધી હતી. આ ઘટનાનો વિડિયો સામે આવ્યા બાદ રેલવે પ્રશાસને મામલાની તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડિયો ઇન્દોરના રાઉ વિસ્તાર નજીક રંગવાસા રોડ પાસેનો હોવાનું કહેવાય છે. વિડિયોમાં ટ્રેન થોડી મિનિટો સુધી ઊભી દેખાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકો પાયલટ સમોસાં લેવા માટે એન્જિનમાંથી નીચે ઊતર્યો હતો.

રેલવેએ તપાસ શરૂ કરી

અહેવાલ મુજબ વાયરલ વિડિયોમાં ઇન્દોર-મહુ DEMU ટ્રેનના લોકો પાયલટને રેલવે ટ્રેકની બાજુમાં આવેલી એક દુકાનમાંથી સમોસાં ખરીદવા માટે ટ્રેન રોકતો જોવા મળે છે, જેને પગલે રેલવે પ્રશાસને તપાસ શરૂ કરી છે.

રતલામ મંડળના જનસંપર્ક અધિકારી (PRO)એ જણાવ્યું હતું કે વાયરલ વિડિયોને તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે. જો તપાસમાં સાબિત થાય કે ટ્રેનને કોઈ પણ કામગીરી સંબંધિત (ઓપરેશનલ) જરૂરિયાત કે અધિકૃત કારણ વગર રોકવામાં આવી હતી અને લોકો પાયલટ વ્યક્તિગત કામ માટે એન્જિનમાંથી નીચે ઊતર્યો હતો, તો તેની વિરુદ્ધ રેલવેના નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક લોકોનો દાવો

સ્થાનિક લોકોનો આરોપ છે કે સંબંધિત DEMU ટ્રેન અગાઉ પણ ઘણી વખત આ સ્થળે થોડી મિનિટો માટે રોકાતી રહી છે. તેમનું કહેવું છે કે તેને કારણે મુસાફરોને બિનજરૂરી વિલંબનો સામનો કરવો પડે છે. જોકે આ દાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને રેલવેએ હજુ સુધી તેમને સત્તાવાર રીતે સાચા ગણાવ્યા નથી.

વાયરલ વિડિયો ક્લિપમાં ટ્રેન ઊભી દેખાય છે, જ્યારે લોકો પાયલટ એન્જિનની બહાર ટ્રેક પાસે આવેલી એક નાની દુકાન પર ઊભેલો જોવા મળે છે. તે દુકાનમાંથી સમોસાં ખરીદતો અને પછી એન્જિન તરફ પાછો જતો દેખાય છે.