ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળ્યા, મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી

અમદાવાદ: આજે અષાઢી બીજ, સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળી ગયા છે. પ્રભુ આજે નગરજનોને અલૌકિક દર્શન આપવા માટે નીકળ્યા છે. આ 149મી રથયાત્રાના દિવસે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. એક બાદ એક એમ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળી ગયાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો અને પહિંદ વિધિ કરી હતી.

ખાસ ‘વોઇસ AI’ સિસ્ટમ તૈયાર કરી

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા માટે બહારના જિલ્લાઓમાંથી આવતા 4500થી વધુ પોલીસકર્મીઓના મેનેજમેન્ટ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ખાસ ‘વોઇસ AI’ સિસ્ટમ તૈયાર કરી છે. અગાઉ પોલીસકર્મીઓની ડ્યુટી, રહેવા-જમવાની વ્યવસ્થા અને ઇન્ચાર્જની માહિતી વ્યક્તિગત રીતે આપવી ક્રાઈમ બ્રાન્ચ માટે ખૂબ મુશ્કેલ હતું. આ સમસ્યાના ઉકેલ રૂપે માત્ર દોઢ કલાકમાં તૈયાર કરાયેલી આ કસ્ટમાઇઝ્ડ AI સિસ્ટમમાં તમામ ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. હવે જ્યારે કોઈ પોલીસકર્મી જાહેર કરાયેલા નંબર પર ફોન કરે છે, ત્યારે આ વોઇસ AI તેમને ‘જય જગન્નાથ’ કહીને તેમના નામથી આવકારે છે અને નોકરીનું સ્થળ, રિપોર્ટિંગ અધિકારીનો સંપર્ક તેમજ રહેવા-જમવાની તમામ માહિતી સચોટ રીતે આપે છે, જેનાથી તંત્ર માટે મેનેજમેન્ટનું આ મોટું કામ સાવ સરળ બની ગયું છે.

ટ્રક સંચાલકો અને ડ્રાઈવરોનું આધાર એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન

ભગવાન જગન્નાથજીની આ યાત્રામાં સામેલ તમામ ટ્રક સંચાલકો અને ડ્રાઈવરોનું આધાર એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન કરીને જ ઓળખપત્ર આપ્યા છે. તેમજ તમામનું મેડિકલ ચેકઅપ પણ કરાયું છે. સુરક્ષા અને ઈમરજન્સીના ભાગરૂપે દરેક ટ્રકમાં મુખ્ય ડ્રાઈવરની સાથે એક પોલીસ ડ્રાઈવર બેસશે, RTO તથા બોમ્બ સ્ક્વોડ દ્વારા વાહનોનું કડક ચેકિંગ કરાયું અને રસ્તામાં વાહનોની મરામત માટે દર 10 ટ્રકની પાછળ AMCની સ્પેશિયલ રિપેરિંગ ટીમ તહેનાત છે. આ ઉપરાંત, રથયાત્રામાં જોડાતા તમામ ટ્રકો અને અખાડાઓનું GPS તથા 100 હાઈટેક ડ્રોન કેમેરાથી રિયલ-ટાઇમ લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, અને લોકોના વિશેષ આકર્ષણ માટે ગુજરાત પોલીસ, AMC તથા લીગલ સેલના ખાસ ટેબ્લો પણ યાત્રામાં સામેલ કરાયો છે.

ગજરાજો પર વિશેષ થીમ આધારિત પેઇન્ટિંગ

અમદાવાદની 149મી રથયાત્રા માટે 21 વર્ષીય ઝરણા પંચાલે પોતાની ભક્તિ અને કળાનો અદભુત સમન્વય સાધીને ગજરાજો પર વિશેષ થીમ આધારિત પેઇન્ટિંગ કર્યું છે. એક મહિના અગાઉથી શરૂ કરેલી તૈયારીઓ બાદ, તેણે ગઈકાલે હાથીઓને કોઈ નુકસાન ન થાય તે માટે ઇકો-ફ્રેન્ડલી રંગોનો ઉપયોગ કરીને તેમની સૂંઢ, આંખ અને કાન પર આકર્ષક ચિત્રકામ કર્યું છે. પોતાની નક્કી કરેલી સુંદર થીમ મુજબ, ઝરણાએ વચ્ચેના હાથી પર ભગવાન જગન્નાથજી અને બાકીના બે હાથીઓ પર સુભદ્રાજી તથા બલરામજીના ચિત્રો દોરીને ત્રણેય ભગવાનની એક ભવ્ય થીમ સાકાર કરી છે. આ સાથે જ તેણે પોતાના હાથે બનાવેલી ફૂલોની સુંદર હારમાળા પણ તૈયાર કરી લીધી છે, અને હવે આ શણગારેલા ગજરાજો રથયાત્રામાં ભગવાનના રથની શાનદાર આગેવાની કરવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયા છે.