નવી દિલ્હીઃ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ પર લાગેલી નાકાબંધીને કારણે ભારત સુધી પહોંચતી LPG ગેસની સપ્લાય પર મોટી અસર થઈ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારી મુજબ વૈશ્વિક LPG સપ્લાય ચેઇન સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકે છે. સંકટની ગંભીરતા એથી પણ સમજી શકાય છે કે હજી સુધી સ્પષ્ટ નથી કે ખાડી દેશોમાં ઉત્પાદન તાત્કાલિક બંધ થયું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કાયમી નુકસાન થયું છે.
સપ્લાય ફરી શરૂ થવામાં એટલો સમય કેમ લાગશે?
સરકારી અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે સપ્લાયમાં વિક્ષેપ પાછળ અનેક કારણો જવાબદાર છે. હજી સ્પષ્ટ નથી કે ઓઇલના કૂવા ખાલી થઈ ગયા છે કે યુદ્ધને કારણે ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. વિદેશી સપ્લાયરો પાસેથી મળેલી માહિતી મુજબ સપ્લાય ચેઇન ફરી સામાન્ય થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. ઈરાન દ્વારા સાઉદી અરેબિયા અને UAEના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા હુમલાઓને કારણે ગેસ ઉત્પાદન અને લોડિંગ ક્ષમતા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
આયાત પર નિર્ભરતા ભારત માટે મોટી નબળાઈ
ભારત તેની LPG જરૂરિયાત લગભગ 60 ટકા ભાગ આયાત દ્વારા પૂરી કરે છે, જેને કારણે તે વૈશ્વિક પરિસ્થિતિઓ સામે વધુ સંવેદનશીલ બને છે. યુદ્ધ પહેલાં ભારતની લગભગ 90 ટકા LPG સપ્લાય હોર્મુઝ જળસંધિ મારફતે આવતી હતી. 24 માર્ચ સુધી ખાડી દેશોમાંથી આયાતનો હિસ્સો ઘટીને 55 ટકા રહ્યો છે, જે મોટી સપ્લાય ખલેલનો સંકેત આપે છે. રિપોર્ટ મુજબ નવા રસ્તાઓ શોધવા છતાં સપ્લાયમાં 40-50 ટકા સુધીની ઘટ રહેવાની શક્યતા છે.
ઓછા સ્ટોકને કારણે વધી રહી છે કિંમતોભારતમાં દર વર્ષની LPGની માગ લગભગ 3.3 કરોડ ટન છે, પરંતુ સ્ટોરેજ ક્ષમતા ચિંતાજનક છે. માર્ચના મધ્ય સુધી દેશમાં માત્ર 15 દિવસની માગ જેટલો જ સ્ટોક ઉપલબ્ધ હતો. ત્યારથી ઘરેલુ 14.2 કિલો સિલિન્ડરની કિંમત રૂ. 60 અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ. 115 સુધી વધી ગઈ છે. વધતી કિંમતોને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર સબસિડીનો ભાર પણ વધી રહ્યો છે.


