નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ઉત્પાદન તેમ જ સપ્લાય પર સ્પષ્ટ દેખાઈ રહી છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઇન પર દબાણ વધી ગયું છે. ખાસ કરીને હોર્મુઝ જલસંધિ મારફતે થતી સપ્લાય અસરગ્રસ્ત થતા ભારત પર મોટો પ્રભાવ પડ્યો છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગથી આયાત કરે છે.
ગેસના સપ્લાયમાં ભારે ઘટાડાને કારણે દેશભરમાં LPG સિલિન્ડરની અછત વધી રહી છે. સ્થિતિ કાબૂમાં લેવા અને કાળાબજારી રોકવા માટે સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ (ECA) લાગુ કર્યો છે, છતાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી નથી. અનેક જગ્યાઓથી ગેસની અછતને કારણે હોટેલ અને રેસ્ટોરાં બંધ થવાના સમાચાર મળી રહ્યા છે.
આ સંકટનો સૌથી વધુ અસર રસ્તા કિનારે ચાલતા નાના ધંધાઓ પર પડવાની આશંકા છે. ખાસ કરીને ચાની દુકાનો અથવા ‘ચા ટપરીઓ’ માટે મોટો ખતરો ઊભો થયો છે. જો ગેસની અછત લાંબા સમય સુધી ચાલુ રહે તો દેશભરમાં લાખો ચાની ટપરીઓ બંધ થવાની સ્થિતિ આવી શકે છે. નોઈડાની ફિલ્મ સિટી વિસ્તારમાં- જ્યાં થોડા દિવસ પહેલાં સુધી ચાના સ્ટોલ પર ભીડ રહેતી હતી, ત્યાં હવે સૂમસામ માહોલ છે. બર્નર ઠંડા પડી ગયા છે અને ચા વેચનારા પોતાની રોજીરોટી અંગે ચિંતિત છે.
ગેસ સિલિન્ડર માટે સંઘર્ષ છતાં સફળતા નહીં
સુમિત (બદલેલું નામ), જે ઘણાં વર્ષોથી ઓફિસોની બહાર ચા વેચીને જીવન ગુજારતો હતો, ગેસની અછતને કારણે અચાનક દુકાન બંધ કરવી પડી હતી. તે કહે છે, ગેસ ખતમ થઈ ગયો તરત જ દુકાન બંધ કરવી પડી. સુમિત જણાવે છે કે તે LPG સિલિન્ડર મેળવવા માટે ભારે પ્રયાસ કરી રહ્યો છે. તે રૂ. 200 પ્રતિ કિલો (અંદાજે 14.2 કિલોના સિલિન્ડર માટે રૂ. 2840) ચૂકવવા તૈયાર છે, જે નાના વેપારીઓ માટે ખૂબ મોંઘો છે, છતાં તેને સિલિન્ડર મળી રહ્યો નથી.
એક અન્ય ચા વેચનાર કહે છે કે તેના ડીલરે ફોન બંધ કરી દીધો છે, જેથી ગેસ મેળવવાનો કોઈ રસ્તો બચ્યો નથી. તે કહે છે: દરેક કપ પર અમને લગભગ 40 ટકા માર્જિન મળતું હતું, પરંતુ ગેસ વગર વ્યવસાય તરત બંધ થઈ ગયો.




