લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સુપર ઓવરમાં વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા KKR એ રિંકુ સિંહના 83 રનની મદદથી 155 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમે પણ 155 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં સુનિલ નરેને માત્ર 1 રન આપીને 2 વિકેટ ઝડપી લખનૌને પસ્ત કર્યું હતું, ત્યારબાદ રિંકુ સિંહે પ્રથમ બોલે ચોકો ફટકારી KKR ને જીત અપાવી હતી. મોહસીન ખાને LSG તરફથી 5 વિકેટ ઝડપી હોવા છતાં ટીમ હારી ગઈ હતી.

મેચની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સના પક્ષમાં રહી હતી. કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેકેઆરની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, જેમાં ઓપનર અજિંક્ય રહાણે 10 રન અને ટિમ શિફર્ટ શૂન્ય રને આઉટ થયા હતા. અંગક્રિશ રઘુવંશી કમનસીબ રીતે ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ નિયમ હેઠળ 9 રને આઉટ થયો હતો. એક સમયે કેકેઆરની ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે કેમેરોન ગ્રીને 34 રન બનાવી થોડો ટેકો આપ્યો હતો, પરંતુ તે પણ મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. રોવમેન પોવેલ પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો.
આ કપરા સમયે રિંકુ સિંહે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેણે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 51 બોલમાં 7 ચોકા અને 5 છગ્ગાની મદદથી શાનદાર 83 રન ફટકાર્યા હતા. રિંકુનો સ્ટ્રાઈક રેટ 162.74 નો રહ્યો હતો, જેની મદદથી KKR નિર્ધારિત 20 ઓવરમાં 155/7 ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. લખનૌ તરફથી મોહસીન ખાને તેના આઈપીએલ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્પેલ ફેંક્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે.
156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમની શરૂઆત પણ નબળી રહી હતી. મિશેલ માર્શ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ એડન માર્કરામ અને કેપ્ટન ઋષભ પંત વચ્ચે 57 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. માર્કરામ આઉટ થયા બાદ પંતે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા, પરંતુ તે સુનિલ નરેનનો શિકાર બન્યો હતો. નિકોલસ પૂરન (9) અને આયુષ બદોની (24) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતિમ ઓવરમાં જીતવા માટે 7 રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ શમીએ છેલ્લા બોલે છગ્ગો ફટકારી સ્કોર લેવલ કર્યો હતો અને મેચ સુપર ઓવરમાં ગઈ હતી.
સુપર ઓવરમાં કોલકાતા તરફથી સુનિલ નરેને બોલિંગની કમાન સંભાળી હતી. નરેને તેના જાદુઈ સ્પિનથી પ્રથમ બોલે જ નિકોલસ પૂરનને ક્લીન બોલ્ડ કર્યો હતો. બીજી બાજુ પંતે એક રન લીધો હતો, પરંતુ ત્રીજા બોલે માર્કરામ આઉટ થઈ જતા લખનૌની સુપર ઓવર માત્ર 1 રને સમાપ્ત થઈ હતી. કેકેઆરને જીતવા માટે માત્ર 2 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિંકુ સિંહે સુપર ઓવરના પ્રથમ જ બોલ પર શાનદાર ચોકો ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને ઐતિહાસિક જીત અપાવી હતી. રિંકુ સિંહને તેની મેચ વિનિંગ ઇનિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.




