કોણ છે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના નવા હેડ કોચ લ્યુક વિલિયમ્સ?

મુંબઈ: મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ૨૦૨૭ની નવી સીઝન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લિસા કેઈટલી મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ (હેડ કોચ) પદેથી અલગ થઈ રહ્યા છે, અને તેમના સ્થાને સાઉથ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર લ્યુક વિલિયમ્સ (Luke Williams)ની નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા એમ. અંબાણીએ લ્યુક વિલિયમ્સનું પરિવારમાં સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “અમે મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં લ્યુક વિલિયમ્સનું સ્વાગત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. લ્યુક એક સફળ અને સાબિત થયેલા વિજેતા કોચ છે. તેઓ પોતાની સાથે બહોળો અનુભવ, મહિલા ક્રિકેટની ઊંડી સમજ અને ખેલાડીઓના વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા લાવે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે લ્યુકના માર્ગદર્શન અને હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ આપણી ટીમ વધુ નવી ઊંચાઈઓ સર કરશે.” આ સાથે જ તેમણે લિસા કેઈટલીના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નવા નિમાયેલા હેડ કોચ લ્યુક વિલિયમ્સે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “મુંબઈ ઈન્ડિયન્સ જેવી પ્રતિષ્ઠિત અને સફળ સંસ્થા સાથે જોડાવવા બદલ હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ટેલેન્ટેડ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરવાનો ઉત્તમ અવસર છે. અમે આક્રમક ક્રિકેટ રમીને ચાહકોને ગર્વ અપાવવાનો પ્રયાસ કરીશું.”

લ્યુક વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહિલા બિગ બેશ લીગ (WBBL), ધ હન્ડ્રેડ (ઈંગ્લેન્ડ) અને WPL (૨૦૨૪ માં) ત્રણેય મોટી ટી૨૦ લીગમાં ચેમ્પિયન ટીમોના કોચિંગ સ્ટાફનો હિસ્સો રહી ચૂક્યા છે. તેમની પાસે ૨૦ વર્ષથી વધુનો કોચિંગ અનુભવ છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ બે વાર WPL ચૅમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હવે લ્યુક વિલિયમ્સના માર્ગદર્શન હેઠળ આગામી સીઝનમાં મેદાનમાં ઉતરશે.